Site icon Revoi.in

શક્તિસિંહ ગોહિલે જગન્નાથજીના દર્શન કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો

Social Share

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોમવારે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ પ્રમુખપદનો કાર્યભાર સંભ્યાળ્યો હતો. આ પ્રસંગે પ્રદેશના તમામ નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને નવા પ્રમુખને શુભકામના પાઠવી હતી. દરમિયાન નવા પ્રદેશ પ્રમુખ તરીકે શકિતસિંહ ગોહિલે ચાર્જ સંભાળતાની સાથે જ મોવડી મંડળ દ્વારા રાજયનાં તમામ સિનિયર પાર્ટી નેતાઓને હાઈકમાન્ડનું તેડુ આવ્યું હતુ. આગામી ગુરૂવારે રાષ્ટ્રીય અધ્યક્ષ તથા રાહુલ ગાંધી સાથે બેઠક યોજાવાના નિર્દેશ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિંસિંહ ગોહિલની નિયુક્તિ કરાયા બાદ રવિવારે ગાંધી આશ્રમથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ ગોહિલે પદયાત્રામાં ઉપસ્થિત રહેવા અને શુભેચ્છા આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. દરમિયાન સોમવારે ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને શક્તિસિંહ ગોહિલે પ્રમુખપદનો વિધીવત ચાર્જ સંભાળી લીધો હતો. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતી ઘડવાથી માંડીને પ્રદેશ તથા શહેર જીલ્લાનાં નવા માળખાની રચના માટે તાત્કાલીક કવાયત શરૂ થયાનું મનાય છે, તેવા સમયે તેઓ તથા અન્ય તમામ સિનિયર નેતાઓને હાઈકમાંડે દિલ્હી તેડાવ્યા છે.પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે શકિતસિંહ ગોહિલ ઉપરાંત પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા અમિત ચાવડા,પુર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા તથા અન્ય પ્રદેશના સિનિયર નેતા દિલ્હી જાય તેવી શકયતા છે.

સૂત્રોના કહેવા મુજબ દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જૂન ખડગે તથા રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશના નેતાઓની બેઠક થશે. ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુકિત બાદ આંતરિક જુથવાદ ખત્મ થાય તે માટે હાઈકમાંડે ટારગેટ રાખ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ખભેખભા મિલાવીને કામ કરવાની સુચના આપવામાં આવશે. ઉપરાંત ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવાનું પણ મનાય છે. આ સુચિત બેઠકમાં નવા પ્રદેશ સંગઠન માળખા મામલે પણ ચર્ચા થવાની શકયતા છે. નવા પ્રદેશ પ્રમુખની આગેવાની હેઠળ સિનિયર નેતાઓની પ્રથમ બેઠક હાઈ કમાંડે રાખી હોવાથી પાર્ટી કાર્યકરોમાં પણ અટકળો પ્રવર્તી રહી છે.