અમદાવાદઃ ગુજરાતમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેનો ટેટ અને ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને આ યોજના અંગે પત્ર લખ્યો છે, એમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે, નવી એજ્યુકેશન પોલિસીમાં પણ કાયમી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઈ છે, તો કરાર આધારિત ભરતી શા માટે કરાઈ રહી છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની 32 હજાર ખાલી જગ્યા સામે 30 હજાર જ ટેટ-ટાટ પાસ ઉમેદવાર છે. એટલે કરાર આધારિત જ્ઞાન સહાયકોને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં ઘણા વર્ષોથી શિક્ષકોની જગ્યા ખાલી છે. જેના પરિણામે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ગ્રાન્ટેડ સ્કૂલમાં મોટાભાગે ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષક વિના અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવશે. જેમાં 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી ગેરબંધારણીય છે, જે શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરશે.
ગોહિલે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે જે આધારે જ્ઞાન સહાયક યોજના શરૂ કરી છે તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકોની નિમણૂકની જોગવાઈ છે. તો પછી કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાનસહાયક યોજના શા માટે? રાજ્યમાં અત્યારે 32,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. બીજી તરફ ટેટ-ટાટ પાસ પાસ કરેલા 30,000 જેટલા યુવા-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે. જો સરકાર કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતી લાવી રહી છે તે કેટલા અંશે વ્યાજબી ગણાય.ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક છે. જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ મુખ્ય જિલ્લા છે. આદિવાસી વિસ્તારમાં 353 સ્કૂલ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. એક શિક્ષકથી ચાલતી સ્કૂલો મામલે ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ થતી ચિંતાજનક ચાલી રહી છે. સરકારમાં 32,000 શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. 38,000 વર્ગખંડની મોટા પાયે ઘટ છે. 14,652 સ્કૂલોમાં એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટે મજબૂર થવું પડે છે. તો કઈ રીતે ભણી શકશે ગુજરાત?