- શંકરસિંહ વાઘેલાએ પ્રજા શકિત ડેમોક્રેટિક પાર્ટીનું ગઠન કર્યું,
- પાર્ટીના પ્રમુખ તરીકે દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારની નિયુક્તિ,
- 22મી ડિસેમ્બરે અડાલજમાં મહાસંમેલનનું આયોજન
અમદાવાદઃ ગુજરાતના રાજકારણના ખેલાડી ગણાતા અને બાપુના હુલામણા નામે ઓળખાતા શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું ગઠન કર્યું છે. ગુજરાતના યુવાનો અને ખેડુતોના પ્રશ્ને નવી પાર્ટીનું ગઠન કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમજ ગુજરાતના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે પ્રજા શક્તિ પાર્ટીની જાહેરાત કરી છે. પાર્ટીના નવા પ્રમુખ તરીકે દાંતા સ્ટેટના પૂર્વ રાજવીની નિયુક્તિ કરવામાં આવી છે. અને આગામી તા. 22મી ડિસેમ્બરે અડાલજમાં મહાસંમેલન બાલાવવામાં આવશે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજા શકિત ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી છે. પાર્ટીના નવા પ્રમુખ તરીકે બનાસકાંઠાના દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. દરમિયાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું પાર્ટીમાં જોડાયેલો રહીશ. નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે અને 22 ડિસેમ્બરના રોજ અડાલજ ખાતે મોટુ સંમેલન અને પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે. પ્રજા શકિત ડેમોક્રેટિક પાર્ટીના સંસ્થાપક પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાંથી વર્ષ 1988માં વડોદરા શહેરના પૂર્વ મેયર રહી ચૂક્યો છું. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતાં ત્યારે હું વુડાનો ચેરમેન હતો. બાપુ લોકશાહીમાં પ્રજા મુખ્ય ભાગ ભજવે છે. કોંગ્રેસનાં ધારાસભ્યો જે પાર્ટી છોડી પ્રજાને પૂછ્યા વિના પાર્ટીને બદલી દે છે, જેમાં સામાજિક અને રાજકીય પ્રશ્નો આવે છે. વર્ષ 2022 અને 2024ની લોકસભાની ચૂંટણીઓ જોઈ છે. એક હથ્થુ શાસન લાંબો સમય ચાલે તો તંત્ર રેઢિયાળ બની જાય છે. લોકો લાચાર બની જાય છે. આ સરકારમાં લોકો ફરિયાદો કરે છે પરંતુ, કામ થતા નથી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રજાને પૂછયા વગર પાર્ટી બદલે ત્યારે રાજીકીય અને સામાજિક સમસ્યાઓ ઉભી થાય છે. ગુજરાતના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે પ્રજા શક્તિ પાર્ટીની જાહેરાત કરી છે. ખેડૂતો તરફ સરકારનું કોઈ જ ધ્યાન નથી. ખેડૂતો અને યુવાઓ માટે આ પાર્ટી ઊભી થઇ રહી છે. SC-ST વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે પ્રજા શક્તિ પાર્ટી કામ કરશે.
પ્રજા શકિત ડેમોક્રેટિક પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ રિદ્ધિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, આજે પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. શંકરસિંહ બાપુ અને પાર્ટીના વડીલોના માર્ગદર્શન હેઠળ હવે કામગીરી કરીશું. આગામી તમામ હોદ્દેદારોની નિમણૂકથી લઈને કાર્યક્રમો અંગે 22 ડિસેમ્બરના રોજ પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટનના દિવસે જાહેરાત કરવામાં આવશે.