Site icon Revoi.in

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી દેવલોક પામ્યા, લાંબા સમયથી હતા બિમાર

Social Share

દ્વારકાઃ જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે રવિવારે નિધન થતા સાધુ સમાજ અને તેમના અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો હતો. શંકરાચાર્ય સ્વરૂપાનંદજીને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં માઈનર હાર્ટઅટેક આવ્યા પછી બપોરે 3 કલાક અને 50 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા.

શંકરાચાર્ય સ્વરૂપાનંદજી ઘણા સમયથી બીમાર હતા. તેમની સારવાર બેંગલુરુમાં ચાલી રહી હતી. અને તાજેતરમાં  તેઓ આશ્રમ પરત ફર્યા હતા. શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે, સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને  આજે સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. સ્વર્ગસ્થએ  રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી.

જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોર્તિમઠ)ના શંકરાચાર્ય હતા. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જ્યાં તેમને બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું હતું. વર્ષ 1942ના સમયગાળામાં તેઓ માત્ર 19 વર્ષના હતા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમકે તે સમયે દેશમાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા.શંકરાચાર્યજીના અંતિમ જન્મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી. સ્વામી સ્વરૂપાનંદને 1950માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્ય બન્યા હતા. ​​​​

સંત મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, જગતગુરુ આદિશંકરાચાર્ય સ્થાપિત શારદાપીઠના વર્તમાન જગતગુરુ સ્વરૂપાનંદજી ભગવાન બ્રહ્મલીન થયા એ ખબર હમણાં જ મળ્યા. સનાતન વૈદિક ધર્મના એક સમર્થ જગતગુરુની વિદાય આપણી દિવ્ય સનાતન વૈદિક પરંપરા માટે એક બહુ જ મોટી ક્ષતિ છે. હું એમના નિર્વાણ પ્રણામ કરું છું અને એમની વિદાય પ્રસંગે નતમસ્તક છું. મારી અંતઃકરણ પૂર્વકની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું.