Site icon Revoi.in

રૂપાલાના વિવાદીત નિવેદન મામલે શંકરસિંહ વાઘેલાએ ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. દરમિયાન રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપાએ ટીકીટ ફાળવી છે. એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. વિવાદને શાંત કરવા માટે રૂપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ માફી માંગી છે પરંતુ મામલો શાંત થવાને બદલે નવો રંગ પકડ્યો છે અને સમગ્ર રાજ્યના ક્ષત્રિયોએ રૂપાલા સામે મોરચો ખોલ્યો છે. હવે આ વિવાદમાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ઝુકાવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં છે.

શંકરસિંહ વાધેલાએ કહ્યું કે, ‘ભાજપની માનસિકતા એન્ટી ક્ષત્રિય અને એન્ટિ મહિલા બની રહી છે. ચૂંટણી એ લોકશાહી છે, રજવાડા એ ભળી જવાની અનુમતિ ન આપી હોત તો ભારતમાં લોકશાહી ના હોત અને ચૂંટણી ના હોત. રજવાડાના કારણે લોકશાહી શક્ય બની છે. રાજસ્થાનમાંથી વસુંધરાનાને પણ કાઢ્યા.’ પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપા ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર છે. રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવા એ ભાજપ હાઈકમાંડના હાથમાં છે. રૂપાલાને ભલે ભાજપા રાજ્યસભામાં મોકલો પણ રાજકોટથી ઉમેદવાર તરીકે બદલવા જોઇએ. સરકારે દાઝ્યા પર ડામ આપીને રૂપાલાનો વિરોધ કરી રહેલા સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી.