શંકરસિંહ વાઘેલા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું ગઠન કરીને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી હતી. ત્યારે રાજકારણના દિગજ્જ ગણાતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવાની ગોઠવણ ન થતાં આખરે પોતાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ફરીવાર જીવંત કરવાનો નિર્ણય લીધે છે. અને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો જંગમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું ગઠન કરશે. શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને ખૂબ ઉત્સુક છે. વાઘેલાએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ જન વિકલ્પના નામે પાર્ટી ઊભી કરી હતી. હવે બાપુની નવી પાર્ટીની જાહેરાત બાદ વિધાનસભા ચૂંટણીમાં ચાર પાર્ટીઓ વચ્ચે જંગ જોવા મળશે. શંકરસિંહની પાર્ટીના મુદ્દા પણ જાહેર થયા છે. તે પ્રમાણે વાર્ષિક 12 લાખ સુધીની આવક ઘરાવતા પરિવારને વાર્ષિક 12 લાખનું આરોગ્ય કવચ મળશે. 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકોને ગ્રેજ્યુએશન સુધી વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. તેમજ બેરોજગાર યુવાનોને રોજગાર અને બેરોજગારી ભથ્થાની પણ જાહેરાત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ સાથે તાજેતરમાં મુલાકાત કરી હતી. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મારા જનસંઘના જૂના મિત્ર શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, ‘આજે મેં જનસંઘના જૂના મિત્ર, પૂર્વ ધારાસભ્ય, સંસદ સભ્ય, કેન્દ્રીય મંત્રી અને જનસંઘના જનરલ સેક્રેટરી રહેલા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી. ભાજપ અને કોંગ્રેસ સાથે મતભેદ બાદ તેમની પોતાની પાર્ટી છે. પરંતુ તેઓ જ્યારે જનસંઘમાં હતા ત્યારે ખુબ સારા મિત્ર હતા. ઘણા વર્ષો પછી તેમની સાથે બેઠક કરી છે.’