નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી વિપક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિતના નેતાઓ વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે વર્ષ 2024માં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન શરદ પવાર લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નહીં હોવાનો દાવો એનસીપીએ કર્યો હતો. જો કે, વિપક્ષમાં તેમની મહત્વની ભૂમિકા રહેશે.
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એનસીપીના આઠમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એનસીપીની કાર્યસમિતિની બેઠકમાં શરદ પવારને ફરી પાર્ટીના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. દરમિયાન પ્રફુલ પટેલે કહ્યુ કે, દેશની સ્થિતિને જોતા એનસીપીએ મોટી ભૂમિકા ભજવવાની છે અને તેમાં શરદ પવારની મોટી ભૂમિકા રહેવાની છે. વિશ્વાસ છે કે તે એક એવા વ્યક્તિ છે, જેની મદદથી અમે લોકો સશક્ત ભૂમિકા ભજવી બધાને એક સાથે લાવવાનું કામ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે કેસીઆર, સ્ટાલિન, મમતા બેનર્જી, સીતારામ યેચુરી, ચૌટાલા અને કોંગ્રેસી નેતાઓ શરદ પવાર પાસે આવે છે. તેની પાછળ પવારનું વિઝન છે. તે બધા પક્ષોને એક સાથે લાવી શકે છે.