દેશભરમાં લગભગ તમામ એક્ઝિટ પોલમાં ફરી એકવાર ભાજપ-એનડીએની મોટી જીત અને મોદી સરકાર બનવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો પોલ બાદ સોમવારે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એક્ઝિટ પોલમાં ફરીથી પૂર્ણ બહુમતી સાથે એનડીએની સરકારના સત્તામાં આવવાના સંકેત સાથે શેરબજારમાં રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. સોમવારે શેરબજાર ભારે ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 1421.90 અંકોની બઢત સાથે 39352.67 અને નિફ્ટી 425. 55 અંકના ઉછાળા સાથે 11832.70 પર બંધ થયું હતું.
બપોરના કારોબારમાં સેન્સેક્સ 1141.55 અંકના ઉછાળા સાથે 39072.32 પર કારોબાર કરી રહ્યો હતો. તો નિફ્ટી 337.30 અંકોની તેજી સાથે 1174.45 પર કારોબાર કરી રહ્યો હતો.
બજારમાં સકારાત્મક વલણોને કારણે સેન્સેક્સ 2.49 ટકા ઉછાળા સાથે ખુલ્યો અને નિફ્ટી પણ 2.15 ટકાના ઉછાળા સાથે ખુલ્યો હતો. બીએસઈની 31 કંપનીઓના શેરો પર આધારીત સેન્સેક્સ 946.24 અંકોની તેજી સાથે 38877.01 પર ખુલ્યો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ –એનએસઈના 50 કંપનીઓના શેયરો પર આઆધારીત નિફ્ટી 244.75 અંકોના વધારા સાથે 11651.90 પર ખુલ્યો હતો. રવિવારે સાંજે જાહેર થયેલા વિભિન્ન એક્ઝિટ પોલમાં એનડીએને 300 અથવા તેનાથી વધારે બેઠકો આવતી દેખાઈ રહી છે. ચૂંટણી પરિણામ 23 મેના રોજ આવવાના છે.
સવારે નવ વાગ્યે અને 27 મિનિટે 27 કંપનીઓના શેર લીલા નિશાન પર તો ચાર કંપનીઓના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. તો એનએસઈ પર કંપનીઓના શેરોમાં લેવાલી, જ્યારે છ કંપનીઓના શેરોમાં વેચવાલી દેખાઈ હતી.
બીએસઈ પર એસબીઆઈના શેરોમાં સૌથી વધુ 4.44 ટકા, આઈસીઆઈસીઆઈ બેંકમાં 4.25 ટકા, એલએન્ડટીમાં 4.20 ટકા, રિલાયન્સમાં 3.63 ટકા અને ઈન્ડેસઈન્ડ બેંકના શેરોમાં 3.51 ટકાની તેજી જોવામાં આવી હતી. એનએસઈ પર પણ એસબીઆઈના શેરોમાં સૌથી વધુ 5.01 ટકા, આઈસીઆઈસીઆઈ બેંકમાં 4.54 ટકા, ઈન્ડિયાબુલ હાઉસિંગ ફાયનાન્સમાં 4.35 ટકા, અદાણી પોર્ટ્સમાં 4.34 ટકા અને એલએન્ડટીના શેરોમાં 4.27 ટકાની તેજી જોવા મળી હતી.
બીએસઈ પર બજાજ ઓટોના શેરોમાં સૌથી વધુ 2.12 ટકા, ઈન્ફોસિસમાં 0.97 ટકા, ટીસીએસમાં 0.21 ટકા અને એચસીએલ ટેકમાં 0.02 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ પર જી લિમિટેડના શેરોમાં સૌથી વધારે 3.60 ટકા, ડૉ. રેડ્ડીમાં 3.40 ટકા, ટેક મહિન્દ્રામાં 2.55 ટકા, બજાજ ઓટોમાં 2.31 ટકા અને ઈન્ફોસિસના શેરોમાં 1.36 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
એક્ઝિટ પોલના ગત સપ્તાહમાં એશિયન દેશોમાં ભારતીય શેરબજારોનું પ્રદર્શન સૌથી સારું રહ્યું હતું. ગત ગુરુવારે અને શુક્રવારે આવેલી તેજીનું આમા મોટું યોગદાન રહ્યું હતું. 17મી મેના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધારે તેજી આવી. સેન્સેક્સ 37930.77 અને નિફ્ટી 11407.15 અંકો પર બંધ થયો હતો.