સુરત: શહેરના ડોમેસ્ટીક એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસીઓને દૂબઈ, શારજાહ સહિત અને વિદેશી ફ્લાઈટસની સેવાનો લાભ મળી રહ્યો છે. શહેરના એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઈટ બુધવારે રાત્રે લગભગ 11:15 કલાકે અકસ્માતનો ભોગ બની હતી. શારજહાંથી આવેલી ફ્લાઈટએ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ એપ્રોન એરિયામાં જઈ રહી હતી ત્યારે રન વેની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે ફ્લાઈટની પાંખ અથડાઈ હતી. આ દુર્ઘટનામાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી, પરંતુ ફ્લાઈટની પાંખને નુકસાન થયું હતું.
સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત બુધવારે રાતના સમયે શારજહાથી આવેલી ફ્લાઈટએ સફળતાથી લેન્ડિંગ કર્યા બાદ રનવેથી એપ્રોન એરિયા તરફ ફ્લાઈટ આવી રહી હતી ત્યારે રનવે નજીકમાં પાર્ક કરેલા ટ્રક સાથે ફ્લાઈટની પાંખ અથડાઈ હતી. આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને આપવામાં આવ્યો છે. હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તપાસ બાદ ફ્લાઈટ ચલાવવાની પરવાનગી આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમાંતર ટેક્સી ટ્રેક બનાવવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં માટીના પરિવહન માટે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ગત રાત્રે ચાલકે ટ્રકને રનવેની સાઈડમાં મુકી દીધો હતો. એરપોર્ટના સત્તાધિશોએ પણ કોઈ ધ્યાન આપ્યુ નહતુ. આ અગાઉ પણ ફ્લાઈટના લેન્ડિંગમાં સમસ્યા સર્જાઈ હતી. ગત તા. 27 ફેબ્રુઆરીએ પણ રનવે નજીક ટ્રકો પાર્ક કરેલી હોવાથી ફ્લાઇટ રનવે સુધી પહોંચી શકી ન હતી. જેના કારણે ફ્લાઇટને હવામાં ચક્કર લગાવવું પડ્યું હતું. તેવી જ રીતે 28 ફેબ્રુઆરીએ એક ફ્લાઈટ રનવે પર ઉભી રહી હતી અને અન્ય બે ફ્લાઈટને લેન્ડ કરવાની પરવાનગી મળી ન હતી. જેના કારણે તે બંને ફ્લાઈટ્સે પણ હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. આવી સમસ્યાઓ દરરોજ આવતી રહે છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, લગભગ પાંચ વર્ષથી સમાંતર ટેક્સી ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. વેસુ તરફ સમાંતર ટેક્સી ટ્રેક બનાવવામાં આવ્યો છે, પરંતુ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તેના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી નથી. જ્યારે ડુમસ તરફ સમાંતર ટેક્સી ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. આ કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. મે 2021માં સુરત એરપોર્ટના ડિરેક્ટરે કન્સ્ટ્રક્શન કંપનીને નોટિસ આપી હતી, પરંતુ PTTનું કામ હજુ પૂર્ણ થયું નથી.