શત્રુઘ્નસિંહાએ રામમંદિરને ગણાવ્યું ભાજપનું પબ્લિસિટી સ્ટંટ, કહ્યુ- હવે બસ 1 હજાર લોકો જઈ રહ્યા છે
નવી દિલ્હી: દેશભરમાં ચૂંટણી માહોલ ગરમ છે. 2024ની લોકસભાની ચૂંટણીની ઘોષણા થવાની છે. રાજકીય મેદાનમાં તમામ પાર્ટીઓએ પોતાના તેવર તીખા કરી દીધા છે. હવે ટીએમસીના સાંસદ શત્રુઘ્નસિંહાએ ભાજપને નિશાને લીધું છે. તેમણે પરોક્ષપણે રામમંદિરને ભાજપની ચૂંટણીલક્ષી પેંતરાબાજી ગણાવ્યું છે.
શત્રુઘ્નસિંહાએ રામમંદિર દ્વારા ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે પહેલા દિવસે પાંચ લાખ લોકો અયોધ્યા પહોંચ્યા હતા. હવે માત્ર એક હજાર લોકો પહોંચી રહ્યા છે. ભાજપના પ્રચારની હવા નીકળી ગઈ. તેઓ કહે છે કે મંદિરનો આટલો પ્રચાર કર્યો, દિવસભર મંદિર-મંદિર કર્યું, જ્યારે પર્યટકો ગયા તો પહેલા દિવસો પાંચ લાખ લોકો પહોંચ્યા, બીજા દિવસે ત્રણ લાખ લોકો થઈ, તેના પછી 2 લાખ પર આવી. હવે માત્ર હજાર, 2 હજાર લોકો જઈ રહ્યા છે ત્યાં, કારણ કે લોકો સમજી ગયા છે કે જ્યાં શંકરાચાર્ય પહોંચ્યા નથી, ત્યાં માત્ર આમણે પબ્લિસિટી કરી છે.
શત્રુઘ્નસિંહા ક્યારેક ભાજપમાં હતા. પરંતુ હાઈકમાન્ડથી નારાજ થઈને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. રાહુલ ગાંધીની પાર્ટીમાં પણ તેઓ લાંબો સમય રોકાયા નહીં. શત્રુઘ્નસિંહા તૃણમૂલ કોંગ્રેસમાં ગયા અને પેટાચૂંટણીમાં જીતીને આસનસોલના સાંસદ બન્યા. પોતાના જૂના ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્નએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દેશના પ્રધાનમંત્રી પદના ચહેરા બનાવવાની અપીલ કરી હતી. તેમના પ્રમાણે, મમતા દીદી પીએમ બનવા માટે યોગ્ય ચહેરો છે.
મહત્વપૂર્ણ છે કે રામમંદિરની 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ હતી. તેમાં ફિલ્મી, રાજકીય, ખેલજગત અને બિઝનેસ જગતના નામી ચહેરાઓએ ભાગ લીધો હતો. રામલલાના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને તમામ ધન્ય થઈ ગયા હતા. પીએમ મોદીએ ભગવાન રામની પૂજાઅર્ચના કરી હતી. લગભગ 500 વર્ષ બાદ અયોધ્યામાં રામલલાના પાછા ફરવા પર તમામ રામભક્તોની ખુશીનું ઠેકાણું ન હતું.