ઉત્તરભારતમાં શીતલહેર યથાવત – યુપીના અનેક જીલ્લામાં રેડ એલર્ટ તો દિલ્હીમાં પણ કાતિલ ઠંડીનો કહેર
- ઉત્તરભારત ઠંડીમાં ઠુઠવાયું
- દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઠંડીને લઈને એલર્ટ
દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડી પડી રહી છે તો ખાસ કરીને કાશ્મીર અને હિમાચલમાં પડી રહેલી બરફ વર્ષાના કારણે ઉત્તરભારતમાં ભારે ઠંડી વર્તાઈ રહી છે, ઉત્તરભારત હાલ ભારે ઠંડીનો સામનો કરી રહ્યું છે જેમાં દિલ્હી અને ઉત્તરપ્રદેશના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
ભારતીય હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં રાત્રિ અને સવારના સમયે કેટલાક ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. જો કે, ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 24 કલાક પછી શીત લહેરની સ્થિતિ ઓછી થવાની સંભાવના છે.
જો ઉત્તરપ્રદેશની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારત સોમવારે પણ શીત લહેરની પકડમાં રહ્યું. ઉત્તર પ્રદેશના આગ્રા, મેરઠ, બહરાઈચ અને લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં વિઝિબિલિટી પણ 50 મીટર સુધી હતી. હવામાનની અસર વિમાનો અને ટ્રેનોના સંચાલન પર પણ જોવા મળી હતી. આ સાથે જ ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં 24 કલાક પછી શીત લહેરની સ્થિતિ ઓછી થવાની સંભાવના નથી. જોકે, વિભાગે આજરોજ યુપીના 41 જિલ્લામાં યલો એલર્ટ પણ જારી કર્યું છે. હવામાન વિભાગે યુપીના 41 જિલ્લા, આઝમગઢ, મૌ, બલિયા, દેવરિયા, ગોરખપુર, સંત કબીર નગર, બસ્તી, કુશીનગર, મહારાજગંજ, સિદ્ધાર્થનગર, ગોંડા, બલરામપુર, શ્રાવસ્તી, બહરાઈચ, લખીમપુર ખેરી, સીતાપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સહીત ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં 36 ટ્રેનો મોડી ચાલી રહી છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસ અને ઠંડીના કારણે કેટલીક ફ્લાઇટ્સ દિલ્હી-કાઠમંડુ, દિલ્હી-જયપુર, દિલ્હી-શિમલા, દિલ્હી-દેહરાદૂન, દિલ્હી-ચંદીગઢ-કુલુ મોડી પડી છે.