નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મો. તૌહિદ હુસૈને સોમવારે જણાવ્યું હતું કે, ”શેખ હસીનાના દિલ્હીમાં લાંબા સમય સુધી રોકાણથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર થશે નહીં, દ્વિપક્ષીય સંબંધો એક મહત્વપૂર્ણ મુદ્દો છે, તે પરસ્પર હિત પર બાંધવામાં આવે છે,” ઢાકામાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્મા સહિતના રાજદ્વારીઓની બ્રિફિંગ પછી પત્રકારો સાથે વાત કરતી વખતે હુસૈને આ ટિપ્પણી કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, ‘ભારત સાથે સારા સંબંધો જાળવવાના અમારા પ્રયાસો ચાલુ રહેશે,”
બાંગ્લાદેશની એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો હસીના ભારતમાં વધુ સમય માટે રોકાશે તો શું ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને અસર થશે. આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું, ‘આ એક કાલ્પનિક પ્રશ્ન છે. જો કોઈ દેશમાં રહે છે તો તે ચોક્કસ દેશ સાથેના સંબંધોને કેમ અસર થાય? આ માટે કોઈ કારણ નથી.’ તૌહીદ હુસૈને ભારપૂર્વક જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધો એક મોટી બાબત છે. વિવાદાસ્પદ જોબ ક્વોટા સિસ્ટમને લઈને પોતાની સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ 76 વર્ષીય શેખ હસીના વડા પ્રધાન પદેથી રાજીનામું આપીને ભારત ભાગી જવા મજબૂર બની હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને કહ્યું, ‘દ્વિપક્ષીય સંબંધો બંને પક્ષોના હિત પર નિર્ભર કરે છે. મિત્રતા પણ બે વ્યક્તિઓ વચ્ચેનો હિતનો સંબંધ છે. જો હિતોને નુકસાન થાય છે, તો મિત્રતા ખતમ થઈ જાય છે.’