ભાવનગરના શેત્રુંજી ડેમમાં આકરા ઉનાળા બાદ પણ હજુ 20 ફુટ પાણી, 122 ગામોને અપાતું પાણી
ભાવનગરઃ જિલ્લાના 122 ગામોને પીવાનું પાણી તેમજ 35000 હેકટર જમીનને સિંચાઈનું પાણી પુરૂ પાડતા શેત્રુંજી ડેમમાં ગત વર્ષે સારા વરસાદને કારણે પાણીની સારી આવક થઈ હતી.તેના કારણે આ વર્ષે આકરા ઉનાળા બાદ પણ હજુ ડેમમાં 20 ફુટથી વધુ પાણીની સપાટી છે.
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી જળાશયમાંથી ગત વર્ષ દરમિયાન પાણીના કુલ વપરાશ બાદ ચોમાસાના પ્રારંભે શેત્રુંજી ડેમમાં હાલ પાણીનો જીવંત જથ્થો 20 ફુટ 9 ઈચ જેટલો રહ્યો છે જે અગાઉના વર્ષ કરતાં લાભાર્થી ખેડૂતો માટે સારી સ્થિતિ જણાઈ રહી છે. શેત્રુંજી જળાશયમાંથી જિલ્લાના તળાજા, મહુવા, પાલિતાણા અને ઘોઘા તાલુકાના કુલ 122 ગામોની અંદાજીત 35 હજાર થી વધુ હેક્ટર જમીનને પિયત માટે પાણી અપાય છે, આ 35 હજાર હેકટર જમીનમાં ફક્ત તળાજા વિસ્તારની જ 24 હજાર હેકટર જમીનનો સમાવેશ થાય છે. ગત ચોમાસામાં સારા વરસાદને કારણે શેત્રુંજી ડેમની 34 ફુટની મહત્તમ સપાટીથી વારંવાર ઓવરફ્લો થયો હતો. સિંચાઈના આયોજન પ્રમાણે શેત્રુંજી ડેમમાંથી શિયાળુ -રવિ વાવેતરને સિંચાઈ માટે શેત્રુંજી નહેર કમાન્ડ વિસ્તારમાં પિયત માટે લગભગ છેવાડા સુધી પાણી આપવામાં આવ્યું હતું.
શેત્રુંજી ડેમના ડેપ્યુટી એન્જિનિયર એ.એમ બલદાણીયાએ જણાવ્યું હતું કે, ડેમમાંથી ભાવનગર,પાલીતાણા અને ગારિયાધારના લોકોને પાણી માટે નિયત કરેલ કુલ 110 એમ.એલ.ડીનો જથ્થો અપાયા બાદ વર્ષાંતે શેત્રુંજી ડેમમાં 15 થી 16 ફૂટ પાણીનો જથ્થો અનામત રાખવાનું પ્રાવધાન છે.પરંતુ આ વખતે પાણી વિતરણ વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહેતા ડેમમાં પાણીનો જથ્થો 20 ફુટ 9 ઈચ જેટલો રહ્યો છે. (file photo)