ભાવનગરઃ ગોહિલવાડમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં શેત્રુંજી ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં 4181 ક્યુસેક નવાનીરની આવક શરૂ થઈ હતી જે હાલ, 34110 ક્યુસેક પાણીનો અવિરત પ્રવાહ સતત શરૂ છે, તેથી ડેમની સપાટી વધીને 19.6 ફૂટ પહોંચી છે, સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની સપાટી વધવાની શક્યતા છે, આમ, 6 કલાકમાં ડેમની સપાટીમાં બે ફૂટ જેટલો વધારો થયો હતો.
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમમાં નવા નીરની પધરામણી થઈ છે. જેસર, અમરેલી, અને ગીરપંથકમાં પડેલા સારા વરસાદ અને ઉપરવાસમાં આવેલા ડેમોમાં પણ પાણીની આવક થઈ રહી છે. જેથી મંગળવારની વહેલી સવારથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી, ડેમમાં સવારે 4181 ક્યુસેક્ નવા નીરની આવક થઈ હતી. જેને લઈને શેત્રુંજી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, ડેમમાં નવા નીરના વધામણા થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, આમા, શેત્રુંજી ડેમ હાલ 20-30 ટકા જેટલો ભરાયો છે.
આ અંગે શેત્રુંજી ડેમના ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું કે, આજે મંગળવાર સવારે 4:30 વાગ્યાથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક અવિરીત શરૂ રહી છે જેમાં સવારે 4:30 વાગે 4181 ક્યુસેક ત્યારબાદ ધીમેધીમે 5 વાગ્યા સુધીમાં 8117 ક્યુસેક ત્યારબાદ 6 વાગ્યા આસપાસ આ પાણીનો પ્રવાહ વધીને 17000 ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેના કારણે ડેમની સપાટી 19.6 ફૂટે પહોંચી હતી, સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની સપાટી વધવાની શક્યતા છે,આમ, માત્ર 6 કલાકના ગાળામાં ડેમની સપાટીમાં બે ફૂટ જેટલો વધારો થયો હતો.