Site icon Revoi.in

શેત્રુંજી ડેમની જળ સપાટી 28 ફુટે પહોંચી, જળાશયમાં 2030 ક્યુસેક પાણીની આવક

Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથક પર મેધરાજા હેત વરસાવી રહ્યા હોય તેમ ગત વર્ષની તુલનાએ સારો વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના સૌથી વિશાળ ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 28 ફૂટે પહોંચી ગઈ છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી 2030 ક્યુસેક પાણીની આવક શરૂ હતી.

ભાવનગર જિલ્લા સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શેત્રુંજી ડેમની સપાટી ધીમી ગતિએ વધી રહી છે. ચાલુ ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારે 15 ફૂટથી થોડી વધુ સપાટી ધરાવતો શેત્રુંજી ડેમની જળસપાટી 28 ફૂટે પહોંચી ગઈ છે.  ડેમમાં 2030 ક્યુસેક પાણીની આવક  હતી. આવી રીતે આવક શરૂ રહેશે અને હજી વરસાદનો રાઉન્ડ આવશે તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થશે. હાલની સપાટીથી પણ ભાવનગર શહેરની  પાણીની સમસ્યા એક વર્ષ પૂરતી ટળી ગઈ છે.

જિલ્લાનો તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં કાળુભાર ડેમમાં પાણીની આવક વધતા બે દરવાજા 0.45 ખોલેલ હતા. જે વધારીને શનિવારે બપોરે 2 વાગ્યે ત્રીજો દરવાજો 0.60 મીટર ખોલવામાં આવ્યો હતો. જેમાંથી પસાર થતો પાણીનો જથ્થો 3600 ક્યુસેક છે નીચાણવાળા ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહિ કરવા વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાના નીચાણવાળા ગામોને લોકોને સુચના આપવામાં આવી છે.

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉમરાળામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. ગારીયાધાર સિહોર પાલીતાણા અને ભાવનગર સહિતના તાલુકાઓમાં  સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં સરેરાશ વરસાદ 280 મિલિમિટર થઈ ગયો છે જે ચોમાસાના વાર્ષિક વરસાદ 617 મિલીમીટરના 45.38% છે.