- અફ્ઘાનિસ્તાનની લથડતી હાલત
- મસ્જિદ પર આતંકવાદી હુમલો
- મસ્જિદમાં બ્લાસ્ટ થતા 100 લોકોના મોત
દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જે રીતે હવે તાલિબાનનું રાજ સ્થાપિત થયું છે, તેને જોઈને દરેક પોલિટીકલ એક્સપર્ટ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જોઈ રહ્યા છે. વાત એવી છે કે તાલિબાન કે જે ઈસ્લામ ધર્મને અફ્ઘાનિસ્તાનમાં સૌથી સર્વોચ્ચ માને છે ઈસ્લામના કાયદા કાનુનને અનુસરે છે ત્યા ઈસ્લામને માનતા લોકોના જ બોમ્બ બ્લાસ્ટથી મોત થયા છે.
અફ્ઘાનિસ્તાનના કુન્દુઝ શહેરમાં શુક્રવારની નમાઝ પછી શિયા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો. જે વ્યક્તિ સ્થળ પર હાજર હતા તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ નમાજ કરી રહ્યા હતા, ત્યારે તેઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. જો કે હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુહાજિદે જણાવ્યું હતું કે “આજે બપોરે રાજધાની કુન્દુઝના બંદર ખાન આબાદ જિલ્લામાં અમારા શિયા દેશબંધુઓની મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. જેના પરિણામે આપણા ઘણા નાગરિકો શહીદ અને ઘાયલ થયા છે.” સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર અનેક લોકોના મોત નિપજ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરો બતાવે છે કે જમીન પર લોહીથી લથપથ કેટલાય મૃતદેહો પડેલા છે. અન્ય વીડિયોમાં મહિલાઓ અને બાળકો સહિત પુરૂષો અન્ય લોકોને ઘટનાસ્થળેથી દૂર લઈ જતા જોવા મળે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોમાં આંતરરાષ્ટ્રીય સહાય જૂથનો એક કર્મચારી પણ છે. કુન્દુઝ સેન્ટ્રલ હોસ્પિટલનું કહેવું છે કે 100 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
આશરે પાંચ દિવસ પહેલા કાબુલની એક મસ્જિદના ગેટ પર જીવલેણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી ISIS-K હુમલાઓ એટલે કે ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન દ્વારા લેવામાં આવી હતી. તે વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન શાખા છે.