નવી દિલ્હી: ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગયો છે, કારણ કે તે ટૂર્નામેન્ટના બાકી બચેલા સમયમાં ફિટ થઈ શકશે નહીં. ધવન હવે અંગૂઠાની ઈજાને કારણે લગભગ બે સપ્તાહથી ટૂર્નામેન્ટની બહાર છે. પરંતુ આરામ છતાં તે હજી સુધી સંપૂર્ણપણે ફિટ થઈ શક્યો નથી.
સૂત્રો પ્રમાણે, શિખર ધવન વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. તે વર્લ્ડ કપમાં આગળ ભાગ લેવાની સ્થિતિમાં નથી.
ભારતના સહાયક કોચ સંજય બાંગડે પહેલા કહ્યુ હતુ કે ટીમ પ્રબંધન શિખર ધવનને વર્લ્ડ કપમાંથી બહાર કરવા ઈચ્છતું નથી અને તે તેની રિકવરી પર નજર રાખવા ચાહે છે.
બાંગડે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે યોજાનારી મેચની પૂર્વ સંધ્યા પર કહ્યુ હતુ કે અમે લગભગ 10થી 12 દિવસની રાહ જોવા ઈચ્છતા હતા. અમે ધવનની પરિસ્થિતિ પર નજર રાખવા માંગીએ છીએ. અમે તેમના જેવા આટલા મહત્વપૂર્ણ ખેલાડીને આમ ગુમાવવા ઈચ્છતા નથી.
ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન પેટ કમિન્સનો બોલ ડાબા હાથના અંગુઠામાં વાગતા ઈજા થઈ હતી. તેણે ત્યારે 109 બોલમાં 117 રન બનાવ્યા હતા. જો કે એકસરેમાં ફેક્ચર આવ્યું ન હતું. પરંતુ સીટી સ્કેનથી સ્પષ્ટ થયું હતું કે ધવનને હેરલાઈન ફ્રેક્ચર છે.
યુવાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પહેલા જ ધવનના કવર તરીકે ઈંગ્લેડ મોકલવામાં આવ્યો છે. તે માનેચેસ્ટર પહોંચ્યો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ મેચથી પહેલા જ ટીમ સાથે જોડાઈ ચુક્યો હતો.