રાજુલાઃ દેશમાં બહારથી આયાત કરવામાં આવતા માલ-સામાનની ડ્યુટી બટાવવા માટે વેપારીઓ અનેક તરકીબો અપનાવતા હોય છે. તેમાં જે દેશો પર પ્રતિબંધિત હોય તેવા દેશમાંથી માલ-સામાન ભરીને અન્ય માન્ય દેશમાંથી શીપ આવ્યાનું દર્શાવીને માલ-સામાન લાવવામાં આવતો હોવાનું રેકેટ રેવન્યુ ઈન્ટેલિજન્સે પકડી પાડ્યુ હતું. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) જામનગર દ્વારા પીપાવાવ પોર્ટ ખાતે આવેલા જહાજમાં ડેકલેરેશન કરવામાં આવ્યું હોવાના કિસ્સામાં દરોડો પાડી અને કાર્ગો તથા જહાજને સીઝ કરવામાં આવ્યું છે. કાર્ગો જહાજ ગ્લોબલ રાની 3800 ટન બિટુમીન (ડામર)નો કાર્ગો ભરીને પીપાવાવ બંદર ખાતે આવ્યું હતું. જહાજ બંદર પર આવતાની સાથે જ શંકાના પરિઘમાં ઘેરાયેલું હતું. અગાઉથી મળેલી બાતમીના આધારે ડીઆરઆઇ જામનગરની ટુકડી દ્વારા જહાજ ગ્લોબલ રાની ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને તમામ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) જામનગર દ્વારા પીપાવાવ પોર્ટ ખાતે આવેલા જહાજમાં ડેકલેરેશન કરવામાં આવ્યું હોવાના કિસ્સામાં દરોડો પાડી અને કાર્ગો તથા જહાજને સીઝ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ડીઆરઆઇના હાથમાં શંકાસ્પદ દસ્તાવેજો આવી ગયા હતા. કન્ટ્રી ઓફ ઓરિજીન સર્ટિફિકેટમાં કાર્ગોમાં જહાજ લોડ કર્યાનું બંદર ઈરાક દર્શાવાયું હતું જે હકીકતે ઈરાન હતું. પીપાવાવ ખાતેની એપીએમ ટર્મીનલ પર ઇરાનથી આવતા તમામ પ્રકારના કાર્ગો પર પ્રતિબંધ છે. આવા પ્રકારનો પ્રતિબંધ હોવા છતાં દસ્તાવેજોમાં જહાજ પર માલ ચડાવ્યા નું સ્થળ જુદું દેખાડી અને ચેડા કરી કાર્ગો લાવવામાં આવ્યો હોવાનું ફલિત થયું હતું.
ડીઆરઆઈ દ્વારા 3800 ટન બિટુમીન ડામરનો કાર્ગો જેની બજાર કિંમત રૂપિયા દસ કરોડ છે ઉપરાંત જહાજ ગ્લોબલ રાની સીઝ કરવામાં આવ્યું છે તથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડી આર આઈ જામનગરની ટુકડીને પીપાવાવ ખાતે આવતા જહાજ એની અગાઉથી માહિતી મળી હતી. જેના આધારે તેઓએ જહાજ પર દરોડો પાડ્યો હતો. આ અગાઉ પણ ડીઆરઆઈ દ્વારા પીપાવાવ બંદર ખાતેથી પ્રતિબંધિત રક્ત ચંદન, મફલર ના બદલે ગાભા મોકલવા સહિતની ગેરરીતિઓ પકડી પાડી હતી. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કાંઠે આવેલા બંદરો પર ગેરરીતિઓ ને રોકવા માટે ડીઆરઆઇના તમામ ટુકડીઓને સતર્ક બનાવવામાં આવી છે. (file photo)