નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં શીતલહેર ફરી વળી છે. હવામાન વિભાગે આવનાર દિવસોમાં પંજાબ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીનું અનુમાન વ્યક્ત કર્યું છે.
હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે.જિનામણીએ કહ્યું છે કે રાજસ્થાનમાં શીતલહેર ચાલુ રહેશે. દિલ્લીમાં આવતીકાલથી તાપમાન નીચું જવાની અને શીતલહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. જિનામણીએ કહ્યું કે બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત દેશના ઉત્તરના ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે હળવું ધુમ્મસ જોવા મળી રહ્યું હતું. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં હળવા ધુમ્મસ અને તેના પછી સાફ આકાશ રહેવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું. દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.