શ્રાવણ માસઃ ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં, સોમનાથમાં ભક્તો ઉમટ્યાં
અમદાવાદઃ ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની ગુજરાતમાં આજથી શરૂઆત થઈ છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના લાભ લેવા માટે સોમનાથ પહોચી રહ્યા છે. વહેલી સવારથી જ સોમનાથમાં હર-હર મહાદેવ, જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિવિધ શિવાલયોમાં ઉમટી પડ્યાં હતા. તેમજ હર હર મહાદેવના નારાથી શિવાલયો ગુંજી ઉઠ્યાં હતા.
શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો થતો જઈ રહ્યો છે. દર્શને આવનાર વૃદ્ધ અને દિવ્યાંગ યાત્રીઓને વધુમાં વધુ સરળ અને સુચારુ દર્શન વ્યવસ્થા આપીને તેમના દર્શનનો અનુભવ ઉત્તમ થઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલ્ફ કાર્ટ, વ્હીલ ચેર, લિફ્ટ, સહાય કેન્દ્ર તથા કોઈ યાત્રી સોમનાથથી ભૂખ્યા ન જાઈ અને ભોજન મહાપ્રસાદ ટ્રસ્ટના અન્નક્ષેત્રખાતેથી મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આ પ્રકારની અનેકવિધ યાત્રી કેન્દ્રિત સુવિધાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમલમાં મુકવામાં આવી છે.
સોમનાથ મહાદેવના સાનિધ્યે સમગ્ર શ્રાવણ માસ સુધી ચાલનાર મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે ટ્રસ્ટ પરિવાર તેમજ ભાવિકો જોડાયા હતા. મહામૃત્યુંજય યજ્ઞમાં સોમનાથ દર્શને આવનાર દરેક શિવભક્ત યજ્ઞ આહુતી આપી સોમનાથ મહાદેવના સાનિધ્ય યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે તેવુ વિશેષ આયોજન શ્રાવણ પર્યન્ત કરવામાં આવેલ છે. સાથે જ શ્રાવણમાસ દરમ્યાન યાત્રિકો દ્વારા નોંધાવવા આવતી સવાલક્ષ બિલ્વપૂજનનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં પ્રતિનિધિ સ્વરૂપ ભુદેવો શ્રાવણમાસ દરમ્યાન બિલ્વાર્ચન કરશે. સોમનાથ ટ્રસ્ટ આવનાર યાત્રીઓને નિવેદન કરે છે કે યાત્રી સારી રીતે દર્શન કરી શકે તે માટે ગોઠવવામાં આવેલ વ્યવસ્થાઓમાં સહયોગ કરે, તેમજ તીર્થને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને.