અમદાવાદઃ ગાંધીનગરના પેથાપુરમાં એક આશ્રમ પાસેથી મળી આવેલા શિવાંશ કેસમાં પોલીસે તેના પિતા સચીનની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે શિવાંશની માતા હિનાની હત્યા કર્યા બાદ બાળકને પેથાપુર પાસે ત્યજી દઈને ફરાર થઈ ગયાનું સામે આવ્યું હતું. આજે પોલીસે આરોપી સચિન દક્ષિતને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યાં હતા. કોર્ટની કાર્યવાહી બાપડો-બિચારો હોવાની છાપ ઉભી કરવા માટે સચિન મગરમચ્છના આંસુ વહાવતો નજરે પડ્યો હોવાનું પણ જાણવા મળે છે.
પોલીસ શિવાંશને ત્યજી દેવાના કેસમાં પોલીસે તેના પિતા સચીનની ધરપકડ કરી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે રજૂઆત કરી હતી કે, ગુનો આચારીને આરોપીએ સૌથી પહેલા કોને જાણ કરી તે તપાસ બાકી છે. ગુનો આચરવા માટે કોઈની મદદગારી છે કે કેમ તે તપાસની જરૂરિયાત છે. આ ઉપરાંત આરોપી બાળકને લઈને વડોદરાથી કેવી રીતે લાવ્યો તેની તપાસ કરવાની છે. જ્યારે આરોપીના વકીલે રિમાન્ડ અરજીનો વિરોધ કરીને રિમાન્ડ નહીં આપવા રજૂઆત કરી હતી. કોર્ટે સુનાવણીના અંતે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલ તો શિવાંશના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે. જો કે આ રિપોર્ટ આવતા 15 દિવસ લાગી શકે છે. આરોપી સચીનએ હિનાની હત્યા કરી હોવાની ફરિયાદ વડોદરામાં નોંધાઈ છે. એટલે ગાંધીનગર કેસમાં તેની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ વડોદરા પોલીસ તેની કસ્ટડી મેળવશે. એટલું જ નહીં હત્યાની ઘટનાનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે.