Site icon Revoi.in

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

નવી દિલ્હીઃ ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGના એક રિપોર્ટમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર નોંધાયેલા છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત યોજનાના ઓડિટ પરના પોતાના રિપોર્ટમાં CAGએ આ ચોંકાવનારી માહિતી આપી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જે મોબાઈલ નંબર પરથી લગભગ 7.5 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તે નંબર પણ ખોટો હતો, એટલે કે તે નંબર માટે કોઈ સિમ કાર્ડ નથી. BIS ડેટાબેઝના વિશ્લેષણમાં આટલી મોટી સંખ્યામાં નકલી નોંધણીઓ બહાર આવી છે. રિપોર્ટમાં આવો જ એક અન્ય મામલો પણ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 1 લાખ 39 હજાર 300 લોકો અન્ય નંબર 8888888888 સાથે જોડાયેલા છે, જ્યારે 96,046 અન્ય લોકો 90000000 નંબરથી જોડાયેલા છે. આ સિવાય આવા 20 જેટલા નંબરો પણ સામે આવ્યા છે, જેની સાથે 10,000 થી 50,000 લાભાર્થીઓ જોડાયેલા છે. સીએજીના અહેવાલમાં કુલ 7.87 કરોડ લાભાર્થીઓ નોંધાયા છે, જે 10.74 કરોડ (નવેમ્બર 2022)ના લક્ષ્યાંક પરિવારોના 73% છે. આ પછી સરકારે તેનો વ્યાપ વધારીને 12 કરોડ કરી દીધો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટાબેઝમાં કોઈપણ લાભાર્થી સાથે સંબંધિત રેકોર્ડ શોધવા માટે મોબાઈલ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આની મદદથી કોઈ આઈડી કાર્ડ વગર રજીસ્ટ્રેશન ડેસ્ક પર જઈ શકે છે. જો મોબાઈલ નંબર જ ખોટો હોય, તો ઈ-કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં લાભાર્થીની ઓળખ કરવી મુશ્કેલ બની શકે છે. એટલે કે આ પછી લાભાર્થીને યોજનાનો લાભ મળવો લગભગ અશક્ય બની જશે. હોસ્પિટલો તેમને સુવિધાઓ નકારશે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.