અમદાવાદઃ મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાને હજુ પ્રજા ભુલી નથી, આ દૂર્ઘટનામાં 130થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. આ બનાવની ખાસ તપાસ ટીમ (એસઆઈટી)એ તપાસ કરી હતી. દરમિયાન એસઆઈટીએ કોર્ટમાં તપાસનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. રિપોર્ટમાં બ્રિજની દેખભાળની જવાબદારી નીભાવતી કંપનીને દુર્ઘટના માટે જબાવદાર ઠરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મચારીઓનો અભાવન હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસઆઈટીની તપાસના રિપોર્ટમાં કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર, મેનેજર દિનેશ દવે, મેનેજર દીપક પારેખ સહિતના લોકોને જવાબદાર ઠરાવવામાં આવ્યાં છે. એસઆઈટીએ પાંચ હજારથી વધારે પેજનો રિપોર્ટ તૈયાર કરીને રજુ કર્યો છે. જેમાં અનેક ખુલાસા કરવામાં આવ્યાનું જાણવા મળે છે. બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જ્યારે બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહતો. કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ નહોતું કર્યું અને ટિકિટ વેચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નહતો. બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દુર્ઘટના મામલે ઓરેવા કંપનીની ગંભીર પ્રકારની ટેકનીકલ અને ઓપરેશનલ ખામીઓ હતી હોવાનું પણ રિપોર્ટમાં દર્શાવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ગયા વર્ષે 30 ઑક્ટોબરે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.