જયપુરઃ કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે મંગળવારે ટોંક વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. પાયલોટ હાલમાં ટોંક સીટથી ધારાસભ્ય છે. સચિન પાયલોટે આ એફિડેવિટના પગલે પત્ની સારા પાયલટ સાથે છૂટાછેડાની અટકળો વધારે તેજ બની છે. અગાઉ બંને અલગ-અલગ રહેતા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ બંને તરફથી ક્યારેય સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરવામાં આવી નથી. સચિને ચોક્કસપણે બંને બાળકોનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે 2018ની ચૂંટણીમાં આપેલા એફિડેવિટમાં તેણે પોતાની પત્ની અને બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો. આ વખતે પાયલોટના એફિડેવિટમાં અન્ય કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 2018ની ચૂંટણીની એફિડેવિટ મુજબ સચિન પાયલટ પાસે 6.43 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. જે હવે વધીને 7.23 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સચિન પાયલટ પાસે 2018ની ચૂંટણીની એફિડેવિટમાં 1.50 કરોડ રૂપિયાની જંગમ અને 2.21 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી. પત્ની સારા પાયલટના નામે 1.21 કરોડ રૂપિયાની સ્થાવર અને 1.33 કરોડ રૂપિયાની જંગમ મિલકત હતી. જ્યારે એક પુત્રના નામે 13,68,000 રૂપિયા અને બીજાના નામે 2,59,000 રૂપિયાની જંગમ મિલકત હતી. આ રીતે, સચિન પાયલોટે કુલ 2,99,75,000 રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી હતી. તેમજ, 3,43,64,000 રૂપિયાની કુલ સ્થાવર મિલકત જાહેર કરવામાં આવી હતી. આ વખતે પાયલોટે એફિડેવીટમાં 5.7149 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 1.25 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ પોતાના નામે જાહેર કરી છે. તેમજ, એક પુત્રના નામે 20.18 લાખ રૂપિયા અને બીજા પુત્રના નામે 6.34 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરવામાં આવી છે. ગત વખતની જેમ આ વખતે પણ પુત્રોના નામે કોઈ સ્થાવર મિલકત નથી. જ્યારે એફિડેવિટમાં પત્ની વિશે કોઈ ઉલ્લેખ નથી. આ રીતે તેણે 5.97 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 1.25 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ જાહેર કરી છે.
સચિન પાયલોટે 2018ની એફિડેવિટમાં ભીવાડીમાં ઘર હોવાની વાત કરી હતી. એફિડેવિટમાં પાયલોટે જણાવ્યું હતું કે, તેમનું ભિવડીના અરવલી વિહારમાં એક ઘર છે. જેને તેણે 2010માં 14.72 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. તે સમયે તેની કિંમત 19 લાખ રૂપિયા કહેવાતી હતી. આ વખતે એફિડેવિટમાં આ ઘરનો કોઈ ઉલ્લેખ નથી. આ વખતે એફિડેવિટમાં પાયલોટે કહ્યું છે કે તેમની પાસે જયપુરમાં 435.72 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે. જયપુરના માનસરોવર વિસ્તારમાં સ્થિત આ ફ્લેટ 2021માં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં તેની કિંમત 36 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
સારા પાયલટ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી છે. સારાના ભાઈ ઓમર અબ્દુલ્લા પણ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. સચિન અને સારા પાયલટ વિદેશમાં અભ્યાસ દરમિયાન નજીક આવ્યા હતા. આ પછી બંનેએ જાન્યુઆરી 2004માં લગ્ન કરી લીધા. 2018માં કોંગ્રેસ સરકારના શપથ ગ્રહણ વખતે સારા તેના બે પુત્રો સાથે આવી હતી.