નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગયા મહિનામાં થયેલા ટ્રેન અકસ્માતમાં રેલવે અધિકારીઓની બેદરકારી સામે આવી છે. 13 જાન્યુઆરીએ, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં નવ લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. લગભગ એક મહિના બાદ તે અકસ્માતની તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસે દુર્ઘટના પહેલા યોગ્ય તપાસ કર્યા વિના લગભગ 18 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું, જ્યારે સામાન્ય રીતે દર 4500 કિલોમીટરે ટ્રેનના એન્જિનના તપાસની જવાબદારી રેલવેની હોય છે.
રેલવે સુરક્ષા આયોગ તરફથી નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવેને લખવામાં આવેલા પત્રમાં રેલ નેટવર્કની અયોગ્ય તપાસના મુદ્દે ચેતવણી પણ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનના એન્જિનની સુરક્ષા તપાસ છેલ્લે 6 ડિસેમ્બર 2021ના રોજ કરવામાં આવી હતી. આ પછી અકસ્માત થયો ત્યાં સુધી ટ્રેન તપાસ વિના 18 હજાર કિમી ચાલી હતી.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષણના નિયમો અનુસાર, દરેક 4500 કિમીએ WAP4 વર્ગના ટ્રેન એન્જિનની ખાતરી કરવી જોઈએ, પરંતુ બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના એન્જિન સાથે આવું કરવામાં આવ્યું ન હતું. ટ્રેનની સલામતીના દૃષ્ટિકોણથી, ટ્રેનના એન્જિનની તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં, રેલ્વેના ટ્રેન અધિકારીઓ ટ્રેનના યોગ્ય સંચાલનને સુનિશ્ચિત કરવા માટે એન્જિનના અંડરગિયરથી લઈને તમામ સુરક્ષા વિગતોની તપાસ કરે છે.
રેલવે સુરક્ષા આયોગ તરફથી મોકલવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રેલ્વેએ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જેના દ્વારા સમયાંતરે સુરક્ષા તપાસ કરવામાં આવે છે. જોકે, અકસ્માતની તપાસ દરમિયાન રાખવામાં આવેલા દસ્તાવેજો પરથી એ વાત સામે આવી છે કે એન્જિનના પરીક્ષણ માટે સમસ્તીપુર ડિવિઝન વતી ન્યૂ કૂચબિહાર અને આગ્રા ફોર્ટ વચ્ચે ઇલેક્ટ્રિક એન્જિન ફાળવવામાં આવ્યા હતા. પરંતુ બંને સ્થળો પર યાત્રા પરીક્ષણની કોઈ વ્યવસ્થા ઉપસ્થિત ન હતી.
(Photo-File)