Site icon Revoi.in

ઉદેયપુર કેસમાં ચોંકાવનારો ખુલાસોઃ એક આરોપી 30 લોકોને પાકિસ્તાન લઈ ગયો હતો

Social Share

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં કન્હૈયાલાલની ઘાતકી હત્યાના કેસમાં એસઆઈટી અને એનઆઈએની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયાં છે. મુખ્યસુત્રધાર મનાતો ગૌસ મહંમદ 2014માં 30 લોકોને લઈને પાકિસ્તાન ગયો હતો અને દાવત-એ-ઇસ્લામિકના જૂલુસમાં હાજરી આપી હતી.

પાકિસ્તાનમાં 40 દિવસના રોકાણ દરમિયાન તમામ લોકો અને ધાર્મિક સંગઠનના લોકોના સંપર્કમાં આવ્યો હતો. આ 30 લોકોમાં 3 ઉદેયપુરના હોવાનું ખૂલ્યું છે. ગૌસે જ રિયાઝ અત્તારીને તાલીમ આપી હતી. તપાસનીસ એજન્સીઓએ આ 30 લોકો અંગે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રિયાઝ અને ગૌસના મોબાઈલ અને લોકેશન પરથી ઘણા ચોંકાવનારા વીડિયો અને પુરાવા મળ્યા છે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ ગૌસને ઠપકો આપતા તેણે કંઈક અલગ કરવાનું નક્કી કરી હતી. આકાઓનો વિશ્વાસ જીતવા અને લોકોમાં ભય ફેલાવવા માટે રિયાઝ અને ગૌસે કન્હૈયા લાલનું માથુ કલમ કરીને તેનો વીડિયો બનાવવાનું કાવતરુ ઘડ્યું હતું.

તપાસનીશ એજન્સીએ હત્યામાં વપરાયેલા હથિયાર જપ્ત કર્યાં છે. તેમજ બંને આરોપીઓની હાલ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. વિવાદીત નિવેદન કરનાર નુપુર શર્માને સમર્થન આપવા મુદ્દે બંને કટ્ટરપંથીઓએ કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરીહતી. આ હત્યાને પગલે લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને આરોપીઓને આકરી સજાની માંગણી કરી છે.