લખનૌઃ પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન અતિક અહેમદના સાગરિકોએ તા. 11મી ફેબ્રુઆરી પહેલા તા. 10મી ફેબ્રુઆરીના રોજ બરેલી જેલમાં બંધ અતિક અહેમદના ભાઈ અશરફની મુલાકાત લીધી હતી. સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદ અને અશરફએ સમગ્ર હત્યાકાંડનું કાવતરુ ઘડ્યું હતું. સાબરમતી જેલમાં અતીકને મળ્યા બાદ શૂટરો 11 ફેબ્રુઆરીએ બરેલી જેલમાં અશરફને મળ્યા હતા. જેમાં વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન, ગુલામ અને અઝહર સહિત નવ લોકોનો સમાવેશ થાય છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, અતીકના પુત્ર અસદે પણ શૂટરો સાથે અશરફને મળીને પ્લાન ફાઇનલ કર્યો હતો. આ ઘટના દરમિયાન અશરફે તેને કારમાં બેસી રહેવા સૂચના આપી હતી, પરંતુ ઉમેશ પાલને ભાગતો જોઈને અસદ કારમાંથી બહાર નીકળી ગયો અને ફાયરિંગ કર્યું હતું. તેથી સીસીટીવી કેમેરામાં અસદ કેદ થયો હતો. શૂટર અને કેટલાક સાગરિતો તા. 10 ફેબ્રુઆરીએ પણ પ્રયાગરાજથી બરેલી ગયા હતા. અહીં શૂટરોએ પ્રયાગરાજ નિવાસી આકિબના આઈડીનો ઉપયોગ કર્યો હતો. અઝહર જે આઈડી પર બરેલી જેલમાં અશરફને મળ્યો હતો તે આઈડી તપાસમાં નકલી હોવાનું બહાર આવ્યું છે. અઝહરે પોતાને બરેલીના જગતપુરનો રહેવાસી બતાવ્યો હતો. આવી સ્થિતિમાં આરોપીઓ પર છેતરપિંડીની કલમ પણ વધી શકે છે.
ઉત્તરપ્રદેશમાં ઉમેશપાલ હત્યા કેસમાં ઘેરા પડઘા પડ્યાં છે. વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમજ સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.