કચ્છમાં પાકિસ્તાન જિંદાબાદના નારા મુદ્દે ચોંકાવનારો ખુલાસો
અમદાવાદઃ કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ એક ગામમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તપાસના આદેશ કર્યાં હતા. દરમિયાન કચ્છ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારની સરઘસ રેલીમાં પાકિસ્તાન જિંદાબાદના નહીં પરંતુ રધુભાઈ જીંદાબાદના નારા લાગ્યાં હોવાનું ખુલ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પાકિસ્તાન જીંદાબાદ ના નારા લાગ્યાં હતા. આ વીડિયો કચ્છના દુધઈ ગામનો હોવાનું મનાઈ રહ્યું છે. વીડિયોમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. આ મુદ્દો એટલો ગરમાયો કે, ગાંધીનગર સુધી તેની ચર્ચાઓ થવા લાગી હતી. વીડિયો વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી બીજી તરફ આ વીડિયોની ચર્ચાએ એટલું જોર પકડ્યું કે, ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વીડિયો મુદ્દે તપાસના આદેશ આપ્યા હતા. દરમિયાન એક પાકિસ્તાન જિંદાબાદ નહીં પરંતુ રાધુભાઈ જિંદાબાદના નારા લગાવી રહ્યો હોવાની પોલીસે પણ સ્પષ્ટતા કરી છે.