Site icon Revoi.in

દિલ્હીઃ 2 આતંકવાદીઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરુ ઘડાયું હતું

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જહાંગીરપુરીમાંથી પકડેલા બંને આતંકીઓની કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે, તેમને હિંદુ નેતાઓની હત્યા કરવાનું કામ આપવામાં આવ્યું હતું. ટાર્ગેટ પૂરો કરવાની પોતાની ક્ષમતા સાબિત કરવા તેમણે એક અજાણ્યા હિંદુ યુવકની હત્યા કરીને લાશના 9 ટુકડા કર્યા હતા અને તેનો વીડિયો બનાવીને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને મોકલ્યો હતો. પોલીસે મૃતક યુવકની ઓળખ પણ કરી લીધી છે. હાલ પોલીસ ભાલવા ડેરી વિસ્તારમાં લાશના અન્ય ટુકડાઓ મેળવવા માટે શોધખોળ કરી રહી છે.

સ્પેશિયલ સેલના એડિશનલ સીપી પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે, સ્પેશિયલ સેલે 12 જાન્યુઆરીએ જહાંગીરપુરી વિસ્તારમાંથી બે આતંકીઓની ધરપકડ કરી હતી. તેમની ઓળખ નૌશાદ અને જગજીત તરીકે થઈ હતી. નૌશાદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, ISI અને જગજીત કેનેડા સ્થિત અર્શદીપ દલ્લા સાથે જોડાયેલો હતો. બંને આતંકવાદીઓને હિંદુ સંગઠન સાથે જોડાયેલા નેતાઓને નિશાન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ આતંકવાદી સંગઠનોએ બંનેને તેમની ક્ષમતા અને પ્રતિબદ્ધતા બતાવવાનું કહ્યું હતું. આ પછી તે બંને આરોપીઓને હત્યાનો વીડિયો બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. બંને આતંકવાદીઓએ જહાંગીરપુરી વિસ્તારના રાજકુમાર નામના યુવકને નિશાન બનાવ્યો હતો. તેણે ધાર્મિક ચિન્હ ત્રિશુલ જોઈને યુવકને પસંદ કર્યો હતો. તે ફૂટપાથ પર રહેતો હોવાથી તેને મારવો સરળ હતો. આરોપીઓ ટૂંક સમયમાં હિન્દુ સંગઠનના નેતાઓની હત્યા કરવાની તૈયારીમાં હતા. આ ધરપકડનો ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માના કેસ સાથે કોઈ સંબંધ નથી.

તપાસમાં જાણવા મળ્યું છે કે 15 ડિસેમ્બરના રોજ બંને આરોપીઓ રાજકુમારને નશો કરાવવાના બહાને ભાલવા ડેરી સ્થિત ઘરે પોતાની સાથે લઈ ગયા હતા. ત્યાં તેઓએ રાજકુમારનું ગળું કાપીને હત્યા કર્યા પછી મૃતદેહના નવ ટુકડા કરી નાખ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિ વીડિયો પણ બનાવતો રહ્યો, જે તેણે પાકિસ્તાનમાં બેઠેલા તેના બોસને મોકલ્યો હતો. 37 સેકન્ડના આ વીડિયો માટે તેને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસના દરોડા દરમિયાન ભાલવા ડેરી સ્થિત ઘર અને ફ્રીજમાંથી લોહીના ડાઘા મળ્યા હતા અને તે જ તપાસમાં હત્યાનો ખુલાસો થયો હતો. જ્યારે સ્થાનિક પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાં તપાસ કરી તો તેમને મૃતક વિશે માહિતી મળી. નૌશાદ અને જગજીત જેલમાં મળ્યા હતા. બંને જેલમાંથી બહાર આવ્યા બાદ સાથે કામ કરવા લાગ્યા હતા. બંને ટૂંક સમયમાં આતંકવાદી સંગઠનોમાં જોડાઈને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયા હતા. પોલીસ તેમના સાગરિતોને ઝડપી લેવા કવાયત તેજ બનાવી છે. આ તમામ સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.