ગોરખપુર મંદિર ઉપર હુમલાના કેસમાં મુર્તુઝાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, આતંકીઓના સંપર્કમાં હતો
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના ગોરખપુરના ગોરખપુર મંદિરમાં સુરક્ષા કર્મચારીઓ ઉપર હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા આરોપી અહમદ મુર્તુજા અબ્બાસીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. તેમજ તેના કેટલાક આતંકવાદી સંગઠન સાથે પણ સંપર્ક સામે આવ્યાં છે. એટલું જ નહીં તેણે આતંકવાદને લઈને અનેક વિડિયો સર્ચ કરીને જોયા હતા. તેમજ પોતાનું નિશાન પાકુ કરવા માટે એરગનથી આરોપી પ્રેકટીસ પણ કરતો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓ મુર્તઝાના લેપટોપની તપાસ કરી રહી છે ત્યારે નવા ખુલાસા થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મુર્તઝા આતંકવાદી હુમલાના વીડિયો ઇન્ટરનેટ પર સર્ચ કરતો હતો. વીડિયો સર્ચ દરમિયાન જ તે આતંકીઓના સંપર્કમાં આવ્યો હતો. આ જેહાદી આતંકવાદીઓ આઈએસ સાથે જોડાયેલા હતા. મુર્તઝાએ કેટલાક જેહાદી વીડિયો સર્ચ કર્યા હતા. ઘણી વખત જ્યારે મુર્તઝાએ જેહાદી વીડિયો જોયા ત્યારે આતંકીઓએ તેનો સંપર્ક કર્યો. તેના આઈપી એડ્રેસ પરથી વિગતો કાઢવામાં આવી હતી. એટલું જ નહીં તેના ઘરેથી એરગન પણ મળી આવી છે, આરોપી એરગનથી ઘરની છત પર નિશાન તાકવાની પ્રેક્ટિસ કરતો હતો. એટીએસ મુર્તઝાને લઈને લખનઉ આવી હતી.
મુર્તઝાનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું હતું. આવા આતંકવાદીઓ એક રીતે પ્રોગ્રામરોની જેમ વર્તે છે. મુર્તઝા આતંકવાદી બનવા માટે દેવબંદ પણ ગયો હતો અને નેપાળની મદરેસામાં પણ ગયો હતો. હવે એટીએસની પૂછપરછમાં મુર્તઝાનું કાનપુર કનેક્શન પણ બહાર આવ્યું છે. તે સીરિયા, આરબ ક્રાંતિ અને ISIS સાથે જોડાયેલા વીડિયો જોતો હતો. અભ્યાસ દરમિયાન, તેણે 2012 અને 2015 વચ્ચે સીરિયામાં કાર્યરત ISIS આતંકવાદીઓને મદદ કરવા નેપાળના ખાતાઓ દ્વારા નાણાં મોકલ્યા. 2020-21માં પણ નેપાળના ખાતામાં લગભગ 8 લાખ રૂપિયા સીરિયા મોકલવામાં આવ્યા હતા..