બેંગ્લોરઃ કેરળના કોચીમાં કન્વેન્શન સેન્ટરમાં થયેલા બ્લાસ્ટને લઈને ફોરેન્સિક નિષ્ણાતોએ મોટો ખુલાસો કર્યો છે. ફોરેન્સિક નિષ્ણાતોએ કહ્યું છે કે, બ્લાસ્ટ માટે નબળા ગ્રેડના વિસ્ફોટકો અને પેટ્રોલથી બનેલા ક્રૂડ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 400-500 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ પરિણામોની માહિતી કેરળ પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સીને આપવામાં આવી છે.
ખ્રિસ્તી પ્રાર્થના સભા દરમિયાન થયેલા બ્લાસ્ટને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. બ્લાસ્ટના થોડા કલાકો બાદ ડોમિનિક માર્ટિન નામના વ્યક્તિએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેણે ઔપચારિક રીતે આ હુમલાની જવાબદારી લીધી હતી. હાલ તપાસ એજન્સીઓ માર્ટિનની પૂછપરછ કરી રહી છે. આ બ્લાસ્ટ થયો તે સમયે કન્વેન્શન સેન્ટરમાં 2000થી વધુ લોકો પ્રાર્થના માટે હાજર હતા.
અહેવાલ મુજબ, વિસ્ફોટ સ્થળના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ડોમિનિક માર્ટિને બોમ્બ તૈયાર કરવા માટે નબળી ગુણવત્તાના વિસ્ફોટકો અને લગભગ 7-8 લિટર પેટ્રોલનો ઉપયોગ કર્યો હતો. બોમ્બ વિસ્ફોટ કરવા માટે રેડિયો ફ્રીક્વન્સી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીએ રેડિયો ફ્રીક્વન્સી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો. તેણે મોબાઈલ પર 400 થી 500 મીટરની રેન્જમાં કમાન્ડ આપ્યા હતા.
આતંકવાદ વિરોધી દળના એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ માટે સુતળી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને બનાવવા માટે ફટાકડાનું દારુખાનુ અને પેટ્રોલનો ઉપયોગ કરાયો હતો. જેથી તેને એક ઉપકરણમાં ફેરવી શકાય જે તરત જ આગ લગાવી શકે. ડોમિનિકનો ઉદ્દેશ્ય કન્વેન્શન સેન્ટરમાં આગ લગાવીને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો.