લખનૌઃ કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. અતિકની ધરપકડ બાદ સદ્દામ તેની ગેંગમાં સક્રિય થયો હતો અને અતિક-અશરફની ધરપકડ બાદ ગેંગની કમાન સંભાળી લીધી હતી. એટલું જ નહીં તમેના ઘરે જ નાણા સહિતની જરુરિયાત પુરી પાડતો હતો. આ ઉપરાંત ગેંગને વધારે તાકાતવાર બનાવવા માટે નવા-નવા છોકરાઓને ગેંગમાં સામેલ કરતો હતો.
દિલ્હીથી ધરપકડ કરાયેલા અશરફના સાળા અબ્દુલ સમદ ઉર્ફે સદ્દામને લઈને મહત્વની માહિતી સામે આવી છે. અશરફ જેલમાં ગયા બાદ સદ્દામે 2020માં જ ગેંગની કમાન સંભાળી હતી. તેણે ખંડણીથી માંડીને જમીન પચાવી પાડવા અને અપહરણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ સંભાલતો હતો. જેલમાં બંધ અતીક-અશરફના કેસનો બચાવ કરવાથી માંડીને તેમના અને તેમના પરિવારજનોની સુખ-સુવિધાઓ માટે સદ્દામ જ પૈસાની વ્યવસ્થા કરતો રહ્યો.
2017માં રાજ્યમાં યોગીની સરકાર બની ત્યારથી અશરફ ફરાર હતો. જો કે, અતિકની ધરપકડ બાદ સદ્દામ તેની ગેંગમાં સક્રિય બન્યો હતો. અશરફના કહેવાથી સદ્દામ ગેરકાયદેસર ખંડણી સહિતના ગુના આચરતો હતો. જુલાઈ 2020 માં અશરફની ધરપકડ પછી, સદ્દામે સંપૂર્ણ રીતે ગેંગની કમાન સંભાળી લીધી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સદ્દામ માફિયા ગેંગમાં નવા છોકરાઓને સામેલ કરવાનું કામ કરતો હતો. તેમની સાથે માત્ર પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારો જ નહીં પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓના નવા છોકરાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. બરેલીના લલ્લા ગદ્દી, ફુરકાન અને ઈમરાન એવા કેટલાક નામ હતા જેઓ સદ્દામના માધ્યમથી અશરફને મળ્યા હતા અને તેની ગેંગ માટે કામ કરવા લાગ્યા હતા.