ભારતની અપૂર્વી ચંદેલાએ નવી દિલ્હીમાં ચાલી રહેલા ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટરની એર રાઈફલ સ્પર્ધામાં શનિવારે વર્લ્ડ રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો છે. અપૂર્વી ચંદેલાએ 252.9 અંક સાથે નવા વર્લ્ડ રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે. આ જીત સાથે અપૂર્વી ચંદેલા વિશ્વકપમાં અંજલિ ભાગવત બાદ મહિલાઓની 10 મીટરની એર રાઈફલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનારી માત્ર બીજી ભારતીય બની છે.
આ વિશ્વકપમમાં અપૂર્વી ચંદેલાને ત્રીજો વ્યક્તિગત ચંદ્રક પ્રાપ્ત થયો છે. અપૂર્વી આઠ મહિલાઓની ફાઈનલમાં રજતચંદ્ર મેળવનારી શૂટરથી 1.1 અંક આગળ રહી છે. જેના કારણે તેના દબદબાનો અંદાજો લગાવી શકાય છે. ગત વિશ્વ ચેમ્પિયનશિપમાં ટોક્યો ઓલિમિપ્ક કોટા પ્રાપ્ત કરવા માટે અપૂર્વી ચંદેલા ક્વોલિફિકેશનમાં 629.3 અંકથી ચોથા સ્થાન પર હતી.
અપૂર્વી ચંદેલા આના પહેલા 2015માં ચાંગવોનમાં થયેલી આઈએસએસએફ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને 2018ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં તેમણે રવિકુમારની સાથે મળીને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેણે અને અંજુમ મોદગિલે 2020 ટોક્યો ઓલિમ્પિક માટે શૂટરનો કોટા પ્રાપ્ત કર્યો હતો. આમા તેઓ અનુક્રમે ચોથા અને બીજા સ્થાન પર રહી હતી. કોઈપણ ઈવેન્ટમાં મહત્તમ ઓલિમ્પિક કોટા પ્રાપ્ત કરી શકાય છે. ભારતે આ ઈવેન્ટના પોતાના બંને કોટા પ્રાપ્ત કર્યા છે. જો કે ઓલિમ્પિકમાં ભારતની પાશે કોઈ અન્ય શૂટરને મોકલવાનો મોકો પણ હશે.
ચીનના શૂટરે રજત અને કાસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ઝૌ રૉઝુએ 251.8 અંક સાથે બીજા સ્થને રહીને રજત અને અન્ય ચીની શૂટર ઝૂ હોંગે 230.4 અંક સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.