સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશને સફાળા જાગીને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવી બિલ્ડિંગોને સીલ કરી દેતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. નોટિસ આપ્યા વિના કે સમય આપ્યા વિના દુકાનોને સીલ મારી દેવાયા છે. શહેરના મિલેયનિમય -2 માર્કેટની દુકાનોમાં 11 દિવસથી સીલ હોવાથી વેપારીઓને હાલાકીનો સામનો કરી રહ્યા છે. વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી છે. અને જો દુકાનોના સીલ ખોલવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર બેસવાની વેપારીઓ દ્વારા ચીમકી અપાઇ છે.
સુરતમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવી બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ સફાળા જાગેલા મ્યુનિ.ના તંત્રએ વેપારીઓને નોટિસો કે મુદત આપ્યા વિના બિલ્ડિંગો સીલ કરી દીધી છે. શહેરના રિંગરોડ પર રઘુકુલ માર્કેટની પાસે આવેલી મિલેનિયમ- 2 માર્કેટ છેલ્લાં 11 દિવસથી સીલ કરવામાં આવી છે. આ માર્કેટ પાસે બીયુ પરમિશન છે પરંતુ ફાયર એનઓસી નથી, અને ફાયર એનઓસી મેળવવા માટે અરજી પણ કરી દેવામાં આવી છે. છતાં મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા માર્કેટને ખોલવા કોઇ કાર્યવાહી કરાઇ નથી.
સુરતની મિલેનિયમ – 2 ટેક્સટાઈલ માર્કેટને છેલ્લાં 11 દિવસથી સીલ હોવાથી કંટાળેલા વેપારીઓએ દેખાવો કર્યા હતાં અને માર્કેટનું સીલ વહેલી તકે ખોલવા માટેની માંગણી કરવામાં આવી હતી. આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. ટેક્સટાઈલ માર્કેટમાં 660 દુકાનો છે. વેપારીઓના મતે તમામ નિયમોને પૂર્ણ કરવામાં આવ્યા છે અને ફાયર એનઓસી માટે અરજી કરી દેવામાં આવી છે. તેમ છતાં મ્યુનિ. દ્વારા દુકાનોને સીલ ખોલવામાં આવતા નથી. ગઈકાલે માર્કેટના વેપારીઓએ કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત ચિમકી પણ ઉચ્ચારી હતી કે, માર્કેટને વહેલી તકે ખોલવામાં નહીં આવે તો વેપારીઓ ભૂખ હડતાળ પર બેસશે.