Site icon Revoi.in

ગુજરાતમાં ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં 18000 શિક્ષકોની ઘટ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ તમામ શાળાઓ શિક્ષણ કાર્યથી ધમધમવા લાગી છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયાને મહિનો પુરો થવા આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા  પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ પુરી પાડવામાં આવતી નથી. સરકારી અને  ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12માં 18000 કરતા વધુ શિક્ષકોની ઘટ છે. શાળાઓમાં પુરાત શિક્ષકો જ હોવાથી કેવી રીતે બાળકો ભણતા હશે તે મોટો પ્રશ્ન છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના એક પૂર્વ સભ્યએ આપેલી માહિતી મુજબ રાજ્યમાં ધોરણ 9થી 12ની 6000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો આવેલી છે. તમામ સ્કૂલોમાં શિક્ષકોની અછત છે.સ્કૂલ શરૂ થયાના 3 અઠવાડિયા કરતા વધુ સમય થયો છતાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ શિક્ષક વિના ભણી રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષક વિના ભણાવતા પરિણામ પર અસર થાય છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ઝડપથી અભ્યાસ પૂરો કરાવવાનો હોય છે. પરંતુ શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તે મોટો સવાલ છે.

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, રાજ્યની 6000 ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 9થી 12માં શિક્ષકોની અછત છે. ગણિત, વિજ્ઞાન, ઈંગ્લીશ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી સહિતના મુખ્ય વિષયમાં પણ શિક્ષકો નથી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અત્યારથી જ બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ JEE અને NEETની તૈયારી કરતા હોય છે. ત્યારે તે વિદ્યાર્થીઓ શિક્ષક વિના કેવી રીતે ભણી શકે. દર વર્ષે પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે હજુ સુધી પ્રવાસી શિક્ષકો પણ ફાળવામાં આવ્યા નથી. ધોરણ 22 સાયન્સમાં તો એક પણ ગ્રાન્ટેડ સ્કૂલ એવી નહીં હોય કે જેમાં પૂરતો સ્ટાફ હશે. સરકાર વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરીને ઝડપથી પ્રવાસી શિક્ષક ફાળવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ શરું થઈ શકે. શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડી શકે છે. જે વિષયના શિક્ષક જ ન હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભણતા હશે.(FILE PHOTO)