Site icon Revoi.in

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળામાં 725 શિક્ષકની ઘટ, વિદ્યાર્થીઓના ભણતર પડતી અસર

Social Share

રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે. ઘણીબધી એવી શાળાઓ છે, જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સરકારે વિદ્યાસહાયકોની ભરતીનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધુ છે. હવે સ્થળ પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ખાલી 725 જગ્યાઓ ભરાશે એવી આશા જાગી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ  જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 725 શિક્ષકની જગ્યા ખાલી છે. જિલ્લામાં ધો.1 થી 5માં 396 જ્યારે 6થી 8માં 329 શિક્ષકની જગ્યા ખાલી છે. જે જગ્યા ખાલી છે તેમાં હાલ પ્રવાસી શિક્ષકોથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સરકાર અનેક યોજનાઓ અને કાર્યો કરી રહી છે, પરંતુ સ્થળ ઉપર વાસ્તવિકતા કંઇક અલગ જ છે. શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ અસર થઇ રહી છે.કેટલીક શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી તો ક્યાંક ઓરડાઓની ઘટ છે. રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની 725 જગ્યા ખાલી છે. જે નવા સત્ર પહેલા જ ભરી દેવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લામાં જે પ્રાથમિક શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યાં પ્રવાસી શિક્ષકોથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. તેમાં 1થી 5 ધોરણમાં 147 પ્રવાસી શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે જ્યારે ધો. 6થી 8માં 157 પ્રવાસી શિક્ષક અભ્યાસ કરાવતા હતા. હાલ સત્ર પૂર્ણ થતા અને પ્રવાસી શિક્ષકોની મુદત પૂર્ણ થતા તેમને છૂટા કરવામાં આવ્યા છે. શિક્ષકોની અછતને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી છે. શિક્ષણના કથળેલા વહીવટને કારણે તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ પડતી હોય છે ત્યારે જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ધો.1થી 5 અને ધો. 6થી 8માં કુલ 725 શિક્ષકની ઘટ છે. જેમાં વિષયવાર શિક્ષકોની વાત કરીએ તો ગણિત અને વિજ્ઞાનમાં 104 શિક્ષકની ઘટ છે. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં 127 શિક્ષકની ઘટ છે. આ ઉપરાંત ભાષાના 98 શિક્ષકની જગ્યા ખાલી છે.

રાજકોટ જિલ્લામાં જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યાં શિક્ષકોની ઘટ પૂરી કરવા અને વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર ન થાય તે માટે હંગામી ધોરણે પ્રવાસી શિક્ષકોની યોજના સરકારે જાહેર કરી છે. આ પ્રવાસી શિક્ષકોને 1 પિરિયડ માટે રૂ.85 આપવામાં આવે છે જ્યારે આખો દિવસ અભ્યાસ કરાવે એટલે કે 6 પિરિયડ લે તો રૂ.510નું વેતન આપવામાં આવે છે. પ્રવાસી શિક્ષકોનું મહત્તમ વેતન રૂ.10500 હોય છે.