અમદાવાદઃ ગુજરાતમાં ઘણાબધા પેટ્રોલ પંપો પર ડીઝલના નો સ્ટોકના બોર્ડ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં હાલ વાવણીની સીઝન ચાલી રહી છે. અને વાવણીને ટાણે જ ડીઝલની અછત સર્જાતા ખેડુતો ટ્રેક્ટર લઈને ડીઝલ મેળવવા પંપે-પંપે ફરી રહ્યા છે. પાટણ જિલ્લામાં આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ નથી ના બોર્ડ લાગી જતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટેશન પર સીધી અસર પડી રહી છે. ડીઝલ અછત મામલે રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી.
ગુજરાતના ઘણાબધા પેટ્રોલ પંપો પર ડીઝલના નો-સ્ટોકના બોર્ડ જોવા મળી રહ્યા છે. ડીઝલની અછત સર્જાવા મામલે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે મોટા શહેરો બાદ જિલ્લાઓમાં પણ ડીઝલની અછત ઉભી થવા પામી છે. જેમાં પાટણ જિલ્લામાં આવેલા પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતા છેવટે પંપો પર ડીઝલ નથી ના બોર્ડ લાગી જવા પામ્યા છે. જેની લઇ વાહન ચાલકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે તો તેની સીધી અસર ટ્રાન્સપોર્ટ અને ખેડૂતો પર પાડવા પામી છે. જે મામલે પેટ્રોલ પંપના સંચાલકને પુછાતા તેમણે જણાવ્યું હતું કે, ડીઝલનો જથ્થો ઉપરથી અપૂરતો આવતો હોઈ આ સ્થિતિ નિર્માણ પામી છે. જ્યાં સુધી સ્ટોક હોય ત્યાં સુધી વેચાણ કરીયે છીએ અને બીજો સ્ટોક મેળવવામાં 8થી 12 કલાક જેટલો સમય લાગે છે ત્યાર સુધી ડીઝલ ન હોઈ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.
પાટણ જિલ્લામાં ડીઝલની અછત મામલે રાધનપુરના ધારાસભ્યએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. . જેમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, સરકારી પેટ્રોલ પંપ પર ડીઝલ મળતું નથી જયારે ખાનગી પંપ પર 20 રૂપિયાથી વધુનો ભાવ વધારો લેવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ડીઝલની અછતને લઇ ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે સરકારે ખાનગી પેટ્રોલ પંપના સંચાલકો સામે ભાવ નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ.