Site icon Revoi.in

સુરતના પૂણા વિસ્તારની મ્યુનિ. શાળાઓમાં શિક્ષકોની ઘટને કોંગ્રેસ શરૂ કરી સહી ઝૂંબેશ

Social Share

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પુરતા શિક્ષકો ન હોવાથી અવાર-નવાર વિરોધ ઊભો થયો હોય છે. જેમાં પૂણા વિસ્તારમાં મ્યુનિ.ની શાળાઓમાં શિક્ષકોની ઘટને લીધે બાળકોના શિક્ષણ પર વિપરિત અસર પડી રહી હોવાથી પુણાના કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટને લઈને કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કરી વિરોધ નોંધાવાયો હતો.

સુરતના પુણાગામ ખાતે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 340 ખાતે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. શાસક અને વિપક્ષ બંને દ્વારા સારા શિક્ષણની વાતો કરવામાં આવે છે પરંતુ શિક્ષણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યો દ્વારા સહી ઝુંબેશ કરીને વિરોધ નોંધાવ્યો હતો. હાલ સમગ્ર સુરત શહેરમાં આવેલી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યારે પુણાગામ ખાતે આવેલી શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી એક આચાર્ય સહિત ફક્ત ચાર જ શિક્ષકો હોય જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 400થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ સમયસર મળતું નથી. હાલ આ શાળામાં નવ શિક્ષકોની ઘટ છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાન રાખી તાત્કાલિક ધોરણે શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે  સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો. વાલીઓની સહીઓ સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય અને હાલમાં નિમણૂંક પામેલા શિક્ષણ મંત્રી તેમજ કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને જો શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા વાલીઓને સાથે રાખી આક્રમક આંદોલન કરવામાં આવશે. એવું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતુ.