પાલનપુરઃ રાજ્યભરમાં આ વર્ષે નવી શિક્ષણ નીતિના અમલ સાથે જ પાઠ્ય-પુસ્તકોમાં કેટલાક પ્રરણો ઉમેરવામાં આવ્યા છે. તો કેટલાક પ્રકરણો રદ કરવામાં આવ્યા છે. એટલે ધોરણ 6થી12માં નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પુરતા પાઠ્ય-પુસ્તકો ફાળવવામાં ન આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 9 થી 12ના મહત્વના વિષયના પાઠ્ય પુસ્તકો મળતા નથી. પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓના ભણતર ઉપર માઠી અસર પડી રહી છે. શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું શિક્ષકો કહી રહ્યા છે. એનસીઇઆરટી દ્વારા વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે ધોરણ 6 થી 12 માં ગણિત, વિજ્ઞાન, કેમસ્ટ્રી અને બાયોલોજી વિષયના પાઠ્યપુસ્તકોમાંથી કેટલાંક પ્રકરણ રદ કરવામાં આવ્યાં છે. જેને લઇને નવા શૈક્ષણિક વર્ષથી નવા પાઠપ પુસ્તકો અમલમાં મુકવામાં આવ્યાં છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી નવા પાઠ્ય પુસ્તકો પુરતા પ્રમાણમાં બહાર ૫ડવામાં આવ્યાં નથી. જેના કારણે ધોરણ 6 થી 12 ના મહત્વના વિષયના પાઠ્ય પુસ્તકો હજી સુધી જિલ્લાની સ્ટેશનરી માર્કેટમાં મળતાં નથી. જેથી સ્કૂલોમાં અભ્યાસ કરતાં બાળકોને શાળા શરૂ થયે 15 દિવસ થયા છતાં પણ હજુ પાઠ્યપુસ્તકો મળતાં ન હોવાથી પાઠ્ય પુસ્તક વગર અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. અને તેમના અભ્યાસ ઉપર પણ માઠી અસરો પડી રહી છે.
વાલીઓએ જણાવ્યું હતું કે, જિલ્લાની કેટલીક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને નવા પાઠય પુસ્તકો લઇને જ શાળાએ આવવાનો આગ્રહ રાખી રહ્યા છે. બીજીબાજુ જિલ્લાની સ્ટેશનરીની દુકાનોમાં આજે પણ ધોરણ 9 થી 12ના મહત્વના વિષયના પાઠ્ય પુસ્તકો મળતા નથી. તેના કારણે વાલીઓને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. જે અંગે વાલીઓએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે સ્ટેશનરી વિક્રેતા પાઠય પુસ્તકોના વેચાણમાં નફાનું માર્જીન ન હોઈ ઓછા મંગાવે છે. જેના કારણે માર્કેટમાં પાઠય પુસ્તકોની અછત વર્તાઈ રહી છે.