પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનના ટાણે જ યુનિયા ખાતરની એકાએક ખેંચ ઊભી થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત સોમાસા દરમિયાન સારા વરસાદને લીધે પાણીના તળ પણ ઊચાં આવતા અને સિંચાઈની કોઈ અગવડ પડે તેમ ન હોવાથી ખેડુતોએ રવિપાકનું મોટાપાયે વાવેતર કર્યું છે. અને યુરિયા ખાતરની જરૂર પડતા ખેડુતો યુરિયા ખાતર મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં અમીરગઢ તાલુકાના વિસ્તારોમાં યુરિયા ખાતરની તંગી વર્તતા ખેડૂતો ખાતર લેવા માટે આમતેમ ભટકી રહ્યાં છે અને ખાતર માટે આખો દિવસ લાંબી લાઈનમાં ઊભા રહવાની ફરજ પડી રહી છે.
બનાસકાંઠાના અમિરગઢ તાલુકામાં ઘઉં, રાયડો અને એરંડાની સીઝન ચાલી રહી છે. ત્યારે યુરિયા ખાતરની અછત સર્વત્ર વર્તાઈ રહી છે. પાકમાં પાણી આપતી વખતે જરૂરી ખાતર માટે ખેડૂતો ખાતર લેવા દૂર-દૂર સુધી ભટકી રહ્યાં છે. બનાસકાંઠામાં ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેમાં મુખ્ય ખેતી પર નિર્ભર અમીરગઢ તાલુકામાં ખેતી અને પશુપાલન પર આધારિત લોકો વસે છે. હાલમાં યુરિયા ખાતરની તંગી વર્તાઈ રહેતા અમીરગઢમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમીરગઢમાં ખાતર મંડળીમાં ખાતરની ગાડી આવતાં પડાપડી થાય છે અને થોડીક વારમાં ખાતર ખૂટી જાય છે. લાંબી કતારોમાં ખેડૂતોને ઉભા રહેવું પડે છે. ઘણા ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહ્યાં બાદ પણ ખાતર ખૂટી જતાં અંતે વિલા મોઢે પરત ફરી રહ્યા છે. જિલ્લાના મુખ્ય ખેતી ઉપર આધારિત વિસ્તારમાં પૂરતું ખાતર મળી રહે તે વિચારણા કરી તંત્રને પછાત વિસ્તારોનું ધ્યાન દોરવું જોઈએ તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે. (file photo)