Site icon Revoi.in

બનાસકાંઠાના કાંકરેજમાં યુરિયા ખાતરની તંગી, ખેડુતોએ મામલતદારને આપ્યુ આવેદનપત્ર

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રવિ સીઝનના ટાણે જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડુતો પરેશાન થઈ રહ્યા છે. દરમિયાન કૃષિમંત્રીએ દાવો કર્યો હતો કે, રાજ્યમાં યુરિયાની કોઈ અછત નથી, ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર મળશે. જ્યારે કૃષિ વિભાગ દ્વારા એવી ટિપણી કરવામાં આવી છે કે, યુરિયાની અછતના ભયને લીધે ખેડુતો બીન જરૂરી સ્ટોક કરી રહ્યા છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં યુરિયા  ખાતરની અછતને લઈ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ખરીદ વેચાણ સંઘ દ્વારા ખાતરની વ્યવસ્થા ન કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. સંઘ દ્વારા દુકાનો ભાડે આપી દેવાઈ હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી સત્વરે ખેડૂતો માટે ખાતરની વ્યવસ્થા કરાવવા માંગ કરી છે.

કાંકરેજના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવતાં જણાવ્યું હતું કે, શિહોરી તાલુકા સંઘમાં ચાલુ સીઝનમાં યુરીયા ખાતર બિલકુલ લાવ્યું નથી અને તમામ મંડળીઓ પણ ખાતર લાવ્યાં નથી.  શિહોરી તથા આજુબાજુની પ્રજાને ખાતર લેવા બીજા ગામે જવું પડે છે. ખાતર ન મળે તો પાકને ખાતર વગર પિયત કરવુ પડે છે. તો અમારી રજુઆતને ધ્યાને લઈ તાત્કાલિક સંઘમાં તથા મંડળીઓમાં ખાતર અપાવવા ભલામણ કરીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની નમ્ર અરજ છે.  શિહોરી તાલુકા સંઘની દુકાનોમાં ખાતર નથી લાવતા અને બીજા વેપારીઓને ભાડેથી આપીને લાખો રૂપિયા સંઘમાં ઉઘારે છે. તો તાત્કાલિક ભાડે આપેલી દુકાનો બંધ કરાવી ખાતર ચાલુ કરવા નમ્ર અરજ છે. ખેડૂતોએ આવેદનપત્ર કાંકરેજ મામલતદારને આપી રજૂઆત કરી છે.