Site icon Revoi.in

અમદાવાદમાં આજે મતદાન કર્યાની નિશાની બતાવો અને AMTSમાં મફત મુસાફરી કરો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ, સામાજિક સંસ્થાઓ દ્વારા મતદાર જાગૃતિના પ્રયાસો કરાયા છે. ઘણાબધા વેપારીઓએ પણ મતદાન કર્યાની આંગળી પર શાહીની નિશાની બતાવીને ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં એએમટીએસ દ્વારા નાગરિકોએ મતદાન કર્યું હોય તેની આંગળી પર શાહીની નિશાની બતાવશે તો બસમાં મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત મ્યુનિના પે એન્ડ પાર્કિંગ પ્લોટ્સમાં પણ મતદાન કેન્દ્રોની નજીક મફત પાર્કિંગ કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં આજે તાપમાનનો પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે. ત્યારે અસહ્ય ગરમીને લીધે મતદાન ઓછું ન થાય તેની ચૂંટણી પંચને ચિંતા છે. એટલે લોકશાહીના આ રૂડા અવસરમાં લોકો વધુને વધુ મતદાન કરે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.  ત્યારે જે નાગરિકો પોતે મતદાન કર્યું હોય તેની આંગળી પર શાહીની નિશાની બતાવશે તેઓને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા મુસાફરોને એક દિવસ માટે મફતમાં મુસાફરી કરવા દેવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, આજે 7મીમેના રોજ મતદાનના દિવસે જે નાગરિકો દ્વારા ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ વોટર સ્લીપ અથવા તો પોતાની આંગળીમાં મતદાન કર્યા અંગેની શાહી બતાવશે. તેવા પ્રવાસીઓને એએમટીએસ બસમાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. જેથી એએમટીએસ દ્વારા વધુમાં વધુ મતદાન કરવામાં આવે અને આ તકનો લાભ ઉઠાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે મતદારોને મ્યુનિના પાર્કિંગ પ્લોટ્સમાં મફત પાર્કિંગ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જે નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે જેના માટે ફાળવેલા મતદાન મથકો ઉપર જવાના હોય ત્યારે વાહન પાર્કિંગને લઈ જ્યાં પેડ પાર્કિંગ છે ત્યાં પાર્ક કરવા અંગે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગ આપવામાં આવેલું છે. જેથી મતદાનના એક દિવસ પૂરતું સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન સમય દરમિયાન ક્યાંય પણ વાહન પાર્કિંગનો ચાર્જ લેવામાં આવશે નહીં. (File photo)