દિલ્હી : શ્રદ્ધા હત્યાકાંડનો મામલો હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં આ બાબતે એક અરજી દાખલ કરીને સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ બર્બર હત્યાકાંડ 6 મહિના જૂનો છે અને તેમાં દિલ્હી પોલીસ યોગ્ય તપાસ કરી શકવા સક્ષમ જણાતી નથી. દિલ્હી પોલીસ પાસે જાણકાર અને આવા કેસમાં ઊંડી વૈજ્ઞાનિક તપાસ કરી શકનાર સ્ટાફની અછત છે. આ સાથે દિલ્હી પોલીસ પાસે આધુનિક ટેકનોલોજીના ઉપકરણો પણ નથી.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે, દિલ્હી પોલીસ માટે આ હત્યાકાંડની ગૂંચવાયેલી ગાંઠોને ખોલવી લગભગ અશક્ય લાગી રહી છે. વળી, દિલ્હી પોલીસ આ કેસ સાથે જોડાયેલી દરેક માહિતી મીડિયામાં જાહેર કરી રહી છે, જે પણ કાયદાની વિરુદ્ધ છે.
છેલ્લી માહિતી અનુસાર, આ કેસમાં એવી વિગત બહાર આવી છે કે, આરોપી આફતાબ પૂનાવાલાએ કથિત રીતે તેની ‘લિવ-ઈન પાર્ટનર’ શ્રદ્ધા વાલ્કર (ઉ.વ. 27)નું 18 મેના રોજ સાંજે ગળું દબાવી ઘાતકી રીતે ખૂન કર્યું હતું.
ખૂન કર્યા બાદ આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરીને, એ ટુકડાઓને પોતાના ઘરે 300 લિટરના ફ્રિજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખી મૂક્યા હતા. ત્યારબાદ આફતાબ આ ટુકડાઓને રોજ રાત્રે તેના ઘરથી થોડે દૂર આવેલી અલગ અલગ જગ્યાઓએ ફેંકતો રહ્યો. આ અંગે વધુ તપાસમાં પોલીસને અત્યાર સુધીમાં મૃતદેહના 13 ટુકડાઓ અલગ અલગ જગ્યાએથી મળ્યાં છે, જેમાં મોટાભાગના હાડકાં છે. દિલ્હી પોલીસે હવે આફતાબના નાર્કો ટેસ્ટની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આફતાબના નાર્કો ટેસ્ટની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
(ફોટો: ફાઈલ)