ગાંધીનગરઃ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઈ મોદીએ 167- સુરત (પશ્ચિમ) વિધાનસભાના સિનિયર સિટીઝનો માટે તીર્થયાત્રાનું આયોજન કર્યું છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકો ગુજરાતમાં આવેલા યાત્રાધામોના દર્શન સરળતાથી કરી શકે તે માટે રાજ્ય સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે તા.15 ઓગસ્ટના રોજ સુરતથી 75 બસમાં 4000થી વધુ સિનિયર સિટીઝન્સ ભગવાન સોમનાથ દાદાના દર્શને જશે.
મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017થી રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકોને રાજ્યના તીર્થધામોના દર્શનનો લ્હાવો મળે એ હેતુથી શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં મૂકી છે. 167-સુરત(પશ્ચિમ)વિધાનસભા મતવિસ્તારમાં રહેતા વડીલોને તીર્થયાત્રાનો લાભ શકે તે માટે સ્લીપિંગ કોચ બસો મારફતે સુરતથી શ્રી સોમનાથ મંદિરની યાત્રાનું આયોજન કર્યું છે.
આ યાત્રા દરમિયાન વડીલોને ચોટીલાના ચામુંડા માતા મંદિર, ગોંડલના શ્રીસ્વામિનારાયણ મંદિર,ખોડલધામ, સોમનાથ મહાદેવ મંદિર, ભાલકાતીર્થ, વડતાલના શ્રી સ્વામિનારાયણ મંદિર, અને નર્મદા નદીના તટે ભરૂચના નિલકંઠ મહાદેવ મંદિરે પણ દર્શનાર્થે લઇ જવામાં આવશે. આ ત્રિદિવસીય યાત્રામાં રાત્રિરોકાણ અને વડીલો માટે સુપાચ્ય પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે હર ઘર તિરંગા અભિયાનથી પ્રત્યેક નાગરિકો પોતાના ઘર ઉપર ભારતની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને લહેરાવી રહ્યા છે, ત્યારે સોમનાથ યાત્રાએ જનાર ચાર હજાર વડીલોના પરિવાર સહિત 167 સુરત(પશ્ચિમ) વિધાનસભા મત વિસ્તારમાં પ્રત્યેક ઘરો ઉપર 50 હજારથી વધુ તિરંગા લહેરાવામાં આવ્યા છે.
શ્રવણ તીર્થદર્શન યોજનામાં નવા ફેરફારો સાથે રાજ્યના વધુમાં વધુ સિનિયર સિટીઝન્સ લાભ લઈ રહ્યા છે. શ્રવણે પોતાના માતા-પિતાને જે પિતૃવત્સલ ભાવે તીર્થસ્થાનોની યાત્રા કરાવી છે, એવા જ ઉમદા ભાવ સાથે રાજ્ય સરકારે આ યોજનાનું નામ શ્રવણતીર્થ દર્શન યોજના રાખ્યું હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.