સોમનાથ તીર્થમાં શ્રાવણોત્સવનો સોમવારથી પ્રારંભ, હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઊઠશે
સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શોવોત્સવનો પ્રારંભ તા.05/08/2024 સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.03/09/2024 શ્રાવણ વદ અમાસના રોજ થશે. ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા મુજબ શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોવાથી યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઇ રહ્યો છે. યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરી છે, શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. સોમનાથ મંદિર સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે.
વૃદ્ધો અશક્ત યાત્રિકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સોમનાથ મંદિર પરિસરના અપ્રોચ એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટા અક્ષરે સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમ દિવ્યાંગો માટે વ્હીલ ચેર, મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સીનીયર સીટીઝન અને દિવ્યાંગો માટે નિશુલ્ક તેમજ વિશેષ જરૂરિયાત હોય તેવા યાત્રીઓ માટે સહાયક ગોઠવવામાં આવ્યા છે. વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
સોમનાથ મંદિરમાં સૌથી ઉત્કૃષ્ટ યાત્રી અનુભવ આપવા મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે. વધારાનો સ્ટાફ, સુપરવાઇઝર, પંડિતજી સહિતની ટીમ દ્વારા અહી ધ્વજા પૂજા, પાઘ પૂજા, કળશ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ, સંકલ્પ, સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવશે. અહીં જ યાત્રી વિશેષ કાઉન્ટર પર પૂજા નોંધાવી પણ શકશે. પોતે કરાવેલ પૂજાનો પ્રસાદ પણ અહીં જ પૂજા નોંધાવનાર ભક્તને પહોંચાડવામાં આવશે. પૂજા માટે સંકીર્તન ભવન વન સ્ટોપ સોલ્યુશન બનશે.