લખનૌઃ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર મથુરામાં નહી તો શું પાકિસ્તાનના લાહોર બનશે તેમ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશન પ્રસાદ મૌર્ય તથા અન્ય એક મંત્રીએ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભુમિ પરિસરમાં સ્થિત મુગલકાળના શાહી ઈદગાહના સ્થળે (જેને ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ જન્મસ્થળ માનવામાં આવે છે) મંદિર બનાવવાના મુદ્દે નિવેદન કર્યું હતું.
તેમના નિવેદન બાદ અનેક સંસ્થાઓ અને સંગઠનો તરફથી શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહને લઈને અનેક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, જિલ્લા વહીવટીતંત્રએ અનેક કારણોસર તા. 24મી નવેમ્બરથી 21મી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત કાયદો લાગુ કરીને કોઈપણ કાર્યક્રમોના આયોજન ઉપર પ્રતિબંધ મુક્યો હતો. દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા આવેલા નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ છાતી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દૂધ વિકાસ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી લક્ષ્મી નારાયણે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, હાલમાં જે જગ્યાએ શાહી ઈદગાહ છે, ત્યાં પહેલા કંસની જેલ હતી અને માતા દેવકી અને વાસુદેવના આઠમા સંતાન ભગવાન કૃષ્ણનો જન્મ એ જ જેલમાં થયો હતો. ત્યાં તેમનું મંદિર બનાવવું જોઈએ. “જો ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર મથુરામાં નથી, તો શું લાહોરમાં બનશે?” તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો ત્યારે તેમનું મંદિર પણ અહીં જ બનાવવું જોઈએ..