કેરળ: બે પુજારીઓ સહીત 10 લોકો કોરોના સંક્રમિત થયા બાદ શ્રી પદ્મનાભસ્વામી મંદિર 15 ઓક્ટોબર સુધી બંધ
- શ્રી પદ્મનાભસ્વામી મંદિર 15 ઓક્ટોબર સુધી બંધ
- 2 પુજારી સહિત 10 લોકો કોરોનાથી સંક્રમિત
- પદ્મનાભસ્વામી મંદિરમાં રાખવામાં આવી હતી તમામ સાવચેતી
અમદાવાદ: કેરળનું જાણીતું શ્રી પદ્મનાભસ્વામી મંદિરને 15 ઓક્ટોબર સુધી ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને તેનું કારણ છે કે બે પુજારીઓ સહીત મંદિરના 10 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેરળના તિરુવનંતપુરમનું પ્રખ્યાત શ્રી પદ્મનાભસ્વામી મંદિર કોરોના મહામારીને કારણે લગભગ 5 મહિનાથી બંધ હતું. ત્યારબાદ ફરી 26 ઓગસ્ટે તે ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. આ પહેલા મહામારીને કારણે 21 માર્ચથી ભક્તોને મંદિરની મુલાકાત લેવાની મંજૂરી ન હતી.
મંદિરને કોરોનાવાયરસથી સુરક્ષિત રાખવા માટે ઘણી સાવચેતીઓ પણ લેવામાં આવી હતા. આમાં રજિસ્ટરમાં એન્ટ્રી, એક સમયે 35 ભક્તોને એન્ટ્રી, એક દિવસમાં ફક્ત 665 લોકોને એન્ટ્રી જેવા પગલા લેવામાં આવ્યા હતા. આ દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના અને 10 વર્ષથી નીચેના લોકોને પણ ત્યાં આવવાની મંજૂરી નહોતી.
દેશમાં કોરોનાની રફતાર ધીમી પડતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી માત્ર કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આ મહામારીને મ્હાત આપનારની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશમાં નવા કોરોના કેસની સંખ્યા કરતાં વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.
_Devanshi