અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે સમગ્ર વિશ્વ રામમય થયેલું જોઈ શકાતું હતું ત્યારે ગુજરાતના ખુણે ખુણે આ ઉત્સવને ઉજવાતો જોઈ શકાયો હતો. શું મહાનગર શું નગર શું ગામ દરેક જગ્યાએ ઉજવણીનું ભવ્ય વાતાવરણ જોવા મળતું હતું. 500 વર્ષના સંઘર્ષ અને પ્રતિક્ષાનો અંત આવ્યો સમગ્ર ભારત દેશની સાથે સમગ્ર તાપી જિલ્લામાં રામમય વાતાવરણમાં લોકો એકબીજાને રામ દિવાળીની શુભકામના પાઠવતા જોવા મળ્યા હતા. જય શ્રી રામના નારાથી સમગ્ર તાપી જીલ્લો ગુંજી ઉઠ્યો.
તાપી જીલ્લામાં આજે આયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સોનગઢ જય વિજય હનુમાન મંદિર ખાતે રામ દરબાર અને ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં ભંડારાનું આયોજન કરાયું હતુ જેમાં 10,000 થી વધુ લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. આયોજકો દ્વારા સર્વ નગરજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
ડેડિયાપાડા તાલુકા જનજાતિ વિસ્તારના ગામોમાં ભગવાન શ્રીરામ જન્મભુમિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગામના ભાઈઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રામધૂન, ભજન ગાતા ગાતા ભગવાન શ્રીરામ જન્મભુમિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
રાજપીપળા ખાતે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા તથા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે વિસ્તારમાં બાઈક રેલી સાથે શોભાયાત્રા નીકળી ત્યારે વાતાવરણ જય શ્રી રામના ગગનભેદી નારાથી ગાજી ઉઠ્યુ હતું.
ડેડિયાપાડાના શીશા ગામમાં ભાથીજી મંદિર ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજના અનેક લોકોએ સક્રીયતાપુર્વક હિસ્સો લીધો હતો અને સાથે મળીને ભજન તથા રામધુનનું પારાયણ કર્યું હતું. સમગ્ર ગામમાંથી કોઇ બાકી ન રહી જાય તેની પૂરી દરકાર કરવામાં આવી હતી અને દરેક ઘરમાંથી લોકો સ્વંભુ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર ગુજરાતના થરાદમાં આવેલા ઢીમા ધામ પ્રખ્યાત ધામ છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા સમાજના દરેક વર્ગના બહેનો અને ભાઈઓ ઢીમાધામના ધરણીધર મંદિરમાં એકઠા થયા હતા અને સાથે મળીને રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું. આ પહેલા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો સ્વંભુ જોડાયા હતા અને જય જય શ્રીરામનો જયઘોષ કર્યો હતો. સમગ્ર ઢીમા ધામનું વાતાવરણ રામમય દેખાતું હતું.
સમગ્ર ગુજરાતના દરેક સમાજમાં આજે વાતાવરણ રામમય થયેલું જોઈ શકાતું હતું. દરેક સમાજ આજે પોતાને આનંદથી ગદગદ અને પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીનો સાક્ષી બનીને પોતાને સૌભાગ્યશાળી સમજે , ત્યારે પાલનપુરમાં વાલ્મીકિ સમાજના આગેવાનોએ મળીને શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અબાલવૃદ્ધ સૌ ઉપસ્થિત રહ્યા હતા.