રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે અવનવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ માટે શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિત માનસના પ્રસંગોને અભ્યાસક્રમમાં સમાવવામાં માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપકુલપતિ ડો. વિજય દેસાણીના કહેવા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા નવા સત્રથી બીએના અભ્યાસક્રમમાં આ બંન્ને ધાર્મિક પુસ્તકોના પ્રસંગોને પાઠ તરીકે ઉમેરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ (બેચરલ ઓફ આર્ટસ)ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિત માનસના પ્રસંગોને અભ્યાસક્રમમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ માટે યુનિવર્સિટી દ્વારા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે. યુનિવર્સિટીનું માનવું છે કે આ પ્રકારના અભ્યાસક્રમથી વિધાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં પુરજોશમાં નવી શિક્ષણ નીતિને અમલ કરવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ એક્ટીવ થઇ છે. અહેવાલો અનુસાર ડિસેમ્બર સુધીમાં નવા અભ્યાસક્રમ ઘડવાની કામગીરી પૂરી થઇ જશે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આર્ટસના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં અભ્યાસ ક્રમમાં ભગવદ્ ગીતા અને રામચરિત માનસને સમાવવામાં આવશે. આ સંદર્ભે ટુંક સમયમાં કમિટીની રચના કરવામાં આવશે. કમિટી દ્વારા સિલેબર્સ નક્કી કરવામાં આવશે. ભગવદ ગીતા અને રામચરિત માનસથી વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું પણ સિંચન થશે. ઉપરાંત બન્ને વિષયોના અભ્યાસથી વિદ્યાર્થીના જીવન ઘડતરમાં પણ ઉપયોગી બનશે. યુનિએ આ બન્ને વિષયોના નિષ્ણાતો પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો.