શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં પ્રવાસનના ટુકાગાળાના બે અભ્યાસક્રમો શરૂ કરાશે
ભુજ : કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. ઘોરડા ખાતેના સફેદરણની મોજ મહાણવા માટે હવે દેસ-વિદેશના પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. ત્યાં હવે ધોળાવીરા પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત થવાથી કચ્છનું સ્થાન આંતરરાષ્ટ્રીય પ્રવાસનમાં મોખરે આવી રહ્યું છે. કચ્છમાં થઇ રહેલા પ્રવાસન, ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને ધ્યાનમાં લેતાં હાલની અને ભવિષ્યની જરૂરિયાતોને યોગ્ય રીતે પહોંચી વળી શકાય તે હેતુથી શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં પ્રવાસનના બે ટુંકાગાળાના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.
શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં નવા કૌશલ્ય કેન્દ્રિત, ટૂંકાગાળાના અભ્યાસક્રમ શરૂ કરાશે. જેમાં વિવિધ પ્રવાસન સંસ્થાનો, ઔદ્યોગિક ગૃહો, સામાજિક અને ધાર્મિક સંસ્થાનો, નાના-મોટા વ્યવસાયિક એકમો પોતાના કર્મચારીઓને યુનિવર્સિટી ખાતે તૈયાર કરવા મોકલી શકે છે. તેમજ યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ સાથે નોકરી અથવા વ્યવસાયની પૂરતી તકો મળી શકશે. યુનિવર્સિટી દ્વારા ટૂરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ગુજરાત સરકારના ટૂરિઝમવિભાગની મદદથી બે ટૂંકાગાળાના પ્રમાણપત્ર કોર્સ શરૂ કરાશે. તાલીમ લેનારે કોઇ આર્થિક બોજો ઉપાડવાનો નથી અને તદ્દન નિ:શુલ્ક તાલીમ મેળવી શકાશે. ટ્રાવેલ કન્સલ્ટન્ટમાં ટ્રાવેલ માટેની ઇન્કવાયરી, ગ્રાહકો સાથે વાતચીતની કળા, ઇટેનરી પ્લાનિંગ અને વ્યકિતત્વ વિકાસને લગતા તમામ કૌશલ્યો શીખવવામાં આવશે. આ કોર્સમાં પ્રવાસન ક્ષેત્ર અને કોર્પોરેટ ક્ષેત્રના જાણીતા અને ખૂબ જ ઊંડા અભ્યાસ સાથે બહોળો અનુભવ ધરાવનારા પ્રશિક્ષકો તાલીમ આપશે. તાલીમ બાદ યુનિવર્સિટી અને ગુજરાત ટૂરિઝમ દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર મળશે કે જે તેમને ભવિષ્યમાં નોકરી કે વ્યવસાય કરવા માટે ઉપયોગી થશે.